નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વિકારવાના ટીમ ઈન્ડિયાના નિર્ણયની રાજકીય આગેવાનોએ કરી પ્રશંસા
નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે. ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીતને લઇને સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને શુભકામનાઓ પાઠવતા "ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ભાજપના નેતાઓએ પણ પાકિસ્તાનને લઈ ટિપ્પણીઓ કરી હતી. ભાજપના આઇટી સેલ પ્રમુખ અમિત માલવિયાએ જણાવ્યું કે ભારતે એશિયા કપની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો કારણ કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવી એવોર્ડ આપવાના મુદ્દે અડગ હતા.
માલવિયાએ કહ્યું કે “અમે ન માત્ર મેદાન પર પાકિસ્તાનને હરાવ્યું, પરંતુ નકવીને પણ તેની અસલી જગ્યા બતાવી છે. પાકિસ્તાન જે આતંકવાદી દેશનો મુખ્ય પ્રચારક છે, તેને ભારતે ઐતિહાસિક સંદેશ આપ્યો છે. આ જ ન્યૂ ઇન્ડિયા છે.” ઉલ્લેખનીય છે કે એવોર્ડ સમારોહ દરમિયાન ભારતીય ટીમે મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સમારોહમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો. આ ઇનકાર પાકિસ્તાન માટે ભારે અપમાનજનક બન્યો છે.
ફાઇનલમાં ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અભિષેક શર્માને તેમની સતત ઉત્તમ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટીમ ઇન્ડિયાની આ જીત માત્ર ટ્રોફી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ રાજકીય અને રાજદ્વારીય સંદેશ પણ પાકિસ્તાન સુધી સ્પષ્ટ રીતે પહોંચ્યો છે.