નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું : 9 મંત્રીઓએ આપ્યા રાજીનામાં
કાઠમંડુ : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની સરકારે મોટો ઝટકો સહન કર્યો છે, કારણ કે 9 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલયના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર દ્વારા નીતિઓમાં પારદર્શિતા ન રાખવા સાથે સાથે સોશિયલ મીડિયા બેનને લઈને થયેલા હિંસક Gen-Z પ્રદર્શન દરમ્યાન દમનકારી કાર્યવાહી થઈ છે. તેથી લોકશાહી અધિકારોને અવગણવામાં આવતાં તેઓએ આ પગલું ભર્યું છે. આ સંકટ વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે ઉપપ્રધાનમંત્રીએ પણ પોતાનું રાજીનામું આપી દીધું. આથી સ્પષ્ટ સંકેત મળ્યો કે અસંતોષ માત્ર કોંગ્રેસની અંદર જ નહીં, પણ સરકારના ઉચ્ચ સ્તર સુધી ફેલાયો છે.
બીરગંજમાં નેપાળ સરકારના કાનૂન મંત્રી અજયકુમાર ચૌરસિયાનું ઘર ગુસ્સાયેલ પ્રદર્શનકારીઓએ સળગાવી દીધું. આ ઘટનાએ સમગ્ર રાજકીય હલચલને વધુ ઉગ્ર બનાવી દીધી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રધાનમંત્રી ઓલીએ સર્વદલીય બેઠક બોલાવી હતી. તેમણે જણાવ્યું કે, “હું હાલાતોનું મૂલ્યાંકન કરવા અને સકારાત્મક ઉકેલ શોધવા માટે તમામ પક્ષો સાથે ચર્ચા કરી રહ્યો છું. આ મુશ્કેલ સમયમાં સૌને શાંતિ જાળવવા વિનંતી કરું છું.” નેપાળની રાજધાની કાઠમંડુમાં યુવાનોનું સરકાર વિરોધી આંદોલન બેકાબૂ બન્યું છે. પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાએ આગજની કરી, જેને કાબૂમાં લેવા સેનાએ આંસુગેસના સેલ છોડ્યા અને ભીડને તિતરબિતર કરી હતી.