સુરતમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડનારા સામે પોલીસ કાર્યવાહી કરશે
- શહેર પોલીસે 100 વેપારીઓને ફટાકડા વેચવા માટે પરવાનગી અપાઈ,
- ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા માટે પોલીસ દ્વારા અપીલ,
- ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ મુકાયો
સુરતઃ આજે વાક બારસથી દીપાવલી પર્વનો પ્રારંભ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં વસવાટ કરતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. શહેરના બજારોમાં પણ ધૂમ ગરાકી જોવા મળી રહી છે. લોકો હવે ફટાકડાની ખરીદી કરતા પણ જોલવા મળી રહ્યા છે. પોલીસે 100 જેટલી ફટાકડાની દુકાનોને મંજુરી આપી છે. દરંમિયાન પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને શહેરીજનોને જાહેર રોડ-રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની સુચના આપી છે.
સુરત શહેરમાં જાહેર રસ્તા પર આતિશબાજી અને રોકેટ ફોડનારા લોકોને શહેર પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જો લોકોને હેરાનગતિ થાય તેવી આતિશબાજી કરવામાં આવશે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. એટલું જ નહીં ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા માટેની અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 100 જેટલા ફટાકડાની દુકાન માટે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરની પોલીસે ફટાકડાને લીધે કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે શહેરજનો માટે નિયમો જાહેર કર્યા છે. કેટલાક લોકો જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને આતિશબાજી કરતા હોય છે. રસ્તા પર રોકેટ ઉડાવતા હોય છે, જેના કારણે અનેક લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે અને કેટલાક લોકો દાઝી પણ જાય છે. આ વખતે આવી હરકત કરનારા લોકોને સુરત પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જાહેર રસ્તા પર રોકેટ ઉડાવવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્રદૂષણ ન ફેલાય આ માટે લોકોએ માત્ર ગ્રીન ફટાકડા ફોડવા જોઈએ.
સુરતના લોકો સાથે ફટાકડાની સ્ટોલ ચલાવનાર લોકો માટે પણ અલગથી નિયમ બહાર પાડવામાં આવ્યા છે. સુરક્ષાના તમામ વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પ્રદૂષણ કરનારા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે અને ખાસ કરીને ચાઈનીઝ ફટાકડા અને તુંકકલ પર પ્રતિબંધ ફરમવાયો છે. પરવાના વગર ફટાકડાની દુકાન લગાવી શકાશે નહીં. એટલું જ નહીં જાહેર રસ્તા પર બેસીને ફટાકડા ફોડનાર લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ જાહેર રસ્તા પર બેસીને ફટાકડાનો વેચાણ ન કરે.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, જાહેર માર્ગ પર રાહદારીને ડેમેજ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ જાહેર માર્ગ પર ફટાકડા ફોડી રાહદારીને ડેમેજ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. હવા અને ધ્વનિ પ્રદુષણને ધ્યાનમાં લઈ ગ્રીન ફટાકડા ફોડવાના રહેશે. પ્રદુષણ ઓછું કરે તેવા ફટાકડા ફોડવાના રહેશે. ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા લોકોને અપીલ કરીએ છે. હવાઈ ફટાકડાને કારણે નુકશાન ન થાય તે તકેદારી રાખવી. ચાઈનીઝ ફટાકડા અને તુંક્કલ પર પ્રતિબંધ કરાયો છે. પરવાના વગર ફટાકડાની દુકાન લગાવી શકાશે નહીં. 100થી વધુ દુકાનોને હંગામી ધોરણે લાયસન્સ આપવામાં આવ્યા છે. દુકાનદારે ડિકલેરેશન, ફાયર એનઓસી, ટ્રાફિક એનઓસી, લોકલ પોલીસ એનઓસી મેળવવાની રહેશે. રોડ પર ફેરિયાઓ ફટાકડા વેચી શકશે નહીં. મનપા અને ટ્રાફિક પોલીસ દેખરેખ રાખશે.