ગાંધીધામમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા 133 નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યો
- બાઈકમાં મોડિફાઈડ સાયલન્સરથી ફટાકડા ફોડી રોડ પર આતંક મચાવતા હતા,
- પોલીસે ખાસ ડ્રાઈવ યોજીને 133 બાઈક ડિટેઈન કર્યા,
- જાહેર રોડ પર રેસ લગાવતા બાઈકચાલકો સામે પણ પગલાં ભરાશે
ગાંધીધામઃ શહેરમાં ધૂમ સ્ટાઈલમાં અને સ્ટંટ કરીને બાઈક ચલાવતા નબીરાઓને પકડીને પોલીસે પાઠ ભણાવ્યા હતા. પોલીસે એક વિશેષ ડ્રાઈવ ચલાવી હતી, જેમાં ધુમ સ્ટાઈલ અને મોડીફાઈડ સાઈલેન્સર સાથે ફટાકડા ફોડીને પૂરફાટ ઝડપે બાઈક ચલાવતા નબીરાઓને પકડીને 133 બાઈક ડીટૅઈન કર્યા હતા. આ સાથે ડ્રાઈવીંગ લાયન્સસ કે રજીસ્ટ્રેશન કાગળો વગર ચાલતા વાહનો પર પણ કાર્યવાહી કરાઈ હતી.
ગાંધીધામ આદિપુરમાં ધુમ બાઈક ચલાવતા આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો હતો. સ્પોર્ટ્સ બાઈક ધૂમ સ્ટાઈલે ચલાવીને સ્ટંટ કરવો, બાઈકમાં મોડીફાઈ સાયલન્સર લગાવીને ફટાકડાની જેમ વધુ અવાજ કરીને રોડ પુર આતંક મચાવવો વગેરે ફરિયાદો મળતા પોલીસે ડ્રાઈવ યોજી હતી. લોકોને તકલીફ આપી રહેલા તત્વો પર પોલીસે વિશેષ ડ્રાઈવ કરીને એમ.વી. એક્ટ 207 તળે આવા કુલ 133 વાહનોને પકડીને ડીટૅઈન કર્યા હતા.
આ અંગે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે કહ્યુ હતું કે, પોલીસને લોકો તરફથી લેખિત અને મૌખિત ફરિયાદો મળી હતી કે, શહેરમાં ધુમ સ્ટાઈલમાં બાઈકો ચલાવાઈ રહી છે અને જોરથી અવાજ કરતા સાઈલેન્સરોના કારણે વૃદ્ધો અને મહિલાઓમાં ભય પેદા થાય છે તેથી આવો વિકૃત આનંદ લેતા તત્વો પર પોલીસે ગત દિવસોમાં લાલઆંખ કરીને સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત અલગ અલગ ટીમો બનાવીને સીટી ટ્રાફિક પોલીસે 53, એ ડિવીઝન પોલીસે 31, બી ડિવીઝન પોલીસે 30, આદિપુર પોલીસે 19 મળીને કુલ 133 વાહનને ડિટૅઈન કરવામાં આવ્યા હતા. જેમાં ધુમ સ્ટાઈલમાં વાહન ચલાવતા શખ્સો સાથે મોડીફાઈડ સાઈલેન્સર તથા ફેન્સી નંબર પ્લેટ, ડ્રાઈવીંગ તથા રજીસ્ટ્રેશન કાગળો વગર ડ્રાઈવ કરતા વાહન ચાલકો પણ સામેલ છે આ કાર્યવાહીમાં ગાંધીધામ એ ડીવીઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવીઝન પીઆઈ એસ.વી. ગોજીયા, આદિપુર પીઆઈ ડી.જી. પટેલ તથા સીટી ટ્રાફિક પીએસઆઈ વી.આર. પટેલ તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.
શહેરના કેટલાક અંતરીયાળ વિસ્તારોમાં નબીરાઓ પોતાની મોંઘીદાટ બાઈકો લઈને રેસ લગાવે છે, જેમાં અગાઉ અકસ્માતો પણ થઈ ચુક્યા છે ત્યારે પોતાને અને અન્યોને પરેશાન કરતા આ કૃત્યોને રોકવા અંતરીયાળ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ વધારે તે જરૂરી છે.