For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં જિલ્લા-તાલુકાઓમાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

04:02 PM Aug 11, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં જિલ્લા તાલુકાઓમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
Advertisement
  • કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદમાં હર્ષ સંઘવી હાજર રહ્યા,
  • પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન,
  • પોલીસ અદિકારીઓએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો

ગાંધીનગરઃ ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે 'પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના સરપંચોએ સાથે મળીને ગ્રામીણ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

Advertisement

આ અનોખી પહેલ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. તેમણે સરપંચો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આ જ રીતે, રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા હતા. તે ઉપરાંત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો.

રાજ્યભરમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આ પરિસંવાદમાં પોલીસ-સરપંચ સમન્વય માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. જે પૈકી પોલીસ અને સરપંચ વચ્ચે સંકલન વધારવા માટે દરેક ગામના સરપંચ અને પોલીસ અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં મહત્વપૂર્ણ સૂચન થયું હતું, જેથી તાત્કાલિક માહિતીની આપ-લે થઈ શકે. ગામમાં બનતા કોઈપણ બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. સાયબર સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સાયબર અવેરનેસ અને માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત મહિલા સુરક્ષા, નવા કાયદા, ગુનાખોરી અટકાવવા માટે ગ્રામ કક્ષાએ સીસીટીવી કેમેરા તેમજ ડ્રગ્સ અને નશાબંધી નિવારણ માટે પોલીસ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ સુધારાના સૂચનો પણ આપ્યા હતા. એટલું જ નહીં, સરપંચોને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે. આ પહેલથી ગ્રામીણ સ્તરે પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે તેવી આશા છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં તમામ રેન્જના વડાઓ, પોલીસ અધિક્ષકો તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement