રાજકોટમાં મંજુરી વિના લાલો ફિલ્મના પ્રમોશનમાં લોકોની ભીડ થતા પોલીસે ગુનો નોંધ્યો
- ફિલ્મના પ્રમોશનમાં ભીડને લીધે એસ્કેલેટર પર બાળકી પટકાતા લોકોએ બચાવી લીધી,
- મંજુરી લીધા વિના ફિલ્મનું પ્રમોશન કરતા મોલના મેનેજર સામે ગુનો નોંધાયો,
- મોલના બહારના ભાગમાં જાહેર કાર્યક્રમ યોજતા લોકોની મોટી ભીડ જામી
રાજકોટઃ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભારે ભીડ જામી હતી. અને એક સમયે ભારે ભીડને લીધે અફડા-તફડી મચી હતી, દરમિયાન એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાતા લોકોએ બાળકીને બચાવી લીધી હતી, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ફિલ્મના પ્રમોશનની મંજુરી લીધા વિના આયોજન કરતા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા, જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા છે.
શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI એન.વી. ચાવડાએ પોતે ફરિયાદી બની કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન રાત્રે 9:15 વાગ્યે સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થયો કે લાલો ફિલ્મના કલાકારો ક્રિસ્ટલ મોલમાં પ્રમોશન એકિટિવિટી કરવા આવ્યા છે અને આ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમા ભીડ એકત્ર થઈ છે. જે બાબતનો વીડિયો વાઇરલ થતાં તરત જ ક્રિસ્ટલ મોલ ખાતે જઇ તપાસ કરતાં જાણવા મળ્યું કે ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈ પ્રકારની પૂર્વમંજૂરી વિના ક્રિસ્ટલ મોલ જેવી જાહે૨ જગ્યાએ ગ્રાઉન્ડ ફલોર પર વચ્ચેના ભાગે સ્ટેજ બાંધી લાલો મૂવીના એકટર, ડાયરેક્ટર, પ્રોડયુસર તથા સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા અને અંદરના તેમજ મોલના બહારના ભાગમાં જાહેર કાર્યક્રમ યોજી ખૂબ જ મોટી ભીડ એકત્ર કરી હતી.
પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીરભાઇ રામજીભાઈ વીસાણી (ઉં.વ.37 રહે. સી-901 સર્વન સફેસ રૈયા રોડ, રાજકોટ) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. તેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની પરવાનગી વિના જાહેર જગ્યામાં વધારે માણસોને એકત્ર કર્યા હતા, જેથી પોલીસ કમિશનરનું જાહેરનામું 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં અમલમાં હોય એ જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી બી.એન.એસ. કલમ 223 મુજબનો ગુનો નોંધ્યો છે, જેથી તેને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ બી.એન.એસ.એસ. કલમ 35(1) મુજબની નોટિસ આપવામાં આવી છે અને આ શખસ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે.