વડોદરામાં પોલીસ આવાસની ફાળવણી ન કરાતા કર્મચારીઓ ભાડાના મકાનમાં રહેવા મજબુર
- કરોડોના ખર્ચે બનેલા પોલીસ આવાસની ફાળવણીમાં વિલંબ
- નવી બનેલા ફ્લેટ્સના કમ્પાઉન્ડમાં અસામાજિક તત્વોનો અડ્ઢો
- ગૃહરાજ્ય મંત્રીનો સમય ન મળતા પોલીસ આવાસનું લોકાર્પણ થઈ શકતુ નથી
વડોદરાઃ શહેરના પ્રતાપનગર અને આકોટા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ કર્મચારીઓ માટે બહુંમાળી ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે. છતાંયે નવા ફ્લેટ્સનું લોકાર્પણ થયુ ન હોવાથી પોલીસ કર્મચારીઓને ફ્લેટ્સની ફાળવણી કરવામાં આવતી નથી, બીજીબાજુ પોલીસ કર્મચારીઓને ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે વહેલી તકે પોલીસ કર્મચારીઓને નવા આવાસની ફાળવણી કરવામાં આવે તેની માગ ઊઠી છે.
વડોદરા શહેરમાં પ્રતાપનગર હેડ ક્વાર્ટ્સ અને અકોટા પોલીસ લાઇન ખાતે અંદાજે 65 કરોડના ખર્ચે 9 બિલ્ડીંગ બનીને તૈયાર છે. પ્રતાપનગર ખાતે 3 મહિનાથી અને અકોટા ખાતે 8 મહિનાથી 408 ફ્લેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે તેમ છતાં મકાનોની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે પોલીસકર્મચારીઓને મહિને 6થી 8 હજાર રૂપિયા ભાડું ચૂકવીને રહેવા માટે મજબૂર બન્યા છે. પોલીસ કર્મચારીઓ માટે નવા બનેલા ફ્લેટ્સ ખાલી હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. પોલીસ કર્મચારીઓને બનેલા ફ્લેટ્સના ઉદઘાટન માટે કહેવાય છે કે ગૃહરાજ્યમંત્રી પાસે સમય માગવામાં આવ્યો છે. પણ ગૃહરાજ્ય મંત્રી અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રતાપનગર હેડ ક્વાર્ટ્સ ખાતે 7 બિલ્ડિંગમાં 336 જેટલા મકાનો બનીને તૈયાર છે. અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. આ મકાન તૈયાર થઇ ગયા ને 3 મહિના જેટલો સમય વીતી ગયો છે. આ ઉપરાંત અકોટા પોલીસ લાઇન ખાતે પણ 2 બિલ્ડીંગમાં 72 મકાનો બનીને તૈયાર છે. આ મકાનો બન્યાને પણ 8 મહિના જેટલો સમય વીતી ગયો છે. જેથી, અહીં મકાન ફાળવવા માટે અનેક પોલીસકર્મીઓએ અરજી પણ કરી છે, તેમ છતાં આ મકાનો પોલીસકર્મીઓને ફાળવવામાં આવ્યા નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અગાઉ પોલીસ લાઈનના નવા મકાનોના લોકાર્પણ માટે ગૃહમંત્રી આવવાના હતા અને બિલ્ડીંગોને ફૂલોથી સજાવવામાં આવી હતી અને ઉદ્ધાટન કરવાનું હતું પરંતુ, ગૃહમંત્રીનો સમય ન મળતા ઉદ્ઘાટન થઇ શક્યું નહીં. હવે આ તૈયાર થઈ ગયેલા આવાસો ગૃહમંત્રીની રાહ જોઇ રહ્યા છે અને પોલીસકર્મીઓ પણ જલદી ગૃહમંત્રી આવીને આવાસોનું ઉદ્ધાટન કરે એમ ઇચ્છી રહ્યા છે. જેથી, કરીને તેમને રહેવા માટે મકાન મળે અને ભાડા ભરવામાંથી મુક્તિ મળે.