અમદાવાદમાં દારૂડિયા વાહનચાલકોને પકડવા પોલીસનું નાઈટ કોમ્બિંગ, એકનું શંકાસ્પદ મોત
- પોલીસના નાઈટ કોમ્બિંગમાં 400 પીધેલા પકડાયા,
- પોલીસે 1400 જેટલાં વાહનો ડિટેઈન કર્યા,
- એક શખસને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા રસ્તામાં જ મોત થયુ
અમદાવાદઃ શહેરમાં ગઈકાલે બોપલ-આંબલી રોડ પર દારૂડિયા ઓડી કારચાલકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે કારચાલકની ધરપકડ કર્યા બાદ તેને જામીન પણ મળી ગયા છે. દરમિયાન શહેરમાં દારૂ પીને વાહનો બેફામ ચલાવાતા હોય ગાંધીનગરથી પોલીસને કડક સુચના મળતા અમદાવાદમાં પોલીસે નાઈટ કોમ્બિંગ યોજીને વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતુ. જાહેર રોડ પર અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરીને વાહન ચેકિંગ અને બ્રેથ એનેલાઇઝરથી કામગીરી કરાતા 400 જેટલા દારૂડિયાઓ પીધેલી હાલતમાં પકડાયા હતા. તેમજ પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસે 1,400 જેટલાં વાહનો ડીટેઇન કર્યા હતા, દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં ગત રાત્રે પોલીસ કોમ્બિંગ વખતે દારૂના અડ્ડા ઉપર નશાની હાલતમાં આઠ શખ્સને ઝડપી લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જેમાંથી 27 વર્ષીય યુવક દર્શન ચૌહાણને ગભરામણ થતાં મેડિકલ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. દર્શન ચૌહાણના પરિવાર દ્વારા પોલીસ સમક્ષ દર્શનને ખેંચ આવવાની બીમારી હોવાની કબૂલાત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ મીડિયા સમક્ષ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, તેને કોઈપણ બીમારી ન હતી ફક્ત તેને દારૂ પીવાની આદત હતી. પરિવારે દર્શનના મોત મામલે શંકા વ્યક્ત કરી છે અને પોલીસે પણ આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં ખાસ કરીને રાતના સમયે દારૂ પીને વાહનો બેફામ ચલાવતા હોવાથી અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ગઈકાલે બોપલ-આંબલી રોડ પર દારૂડિયા કારચાલકે અકસ્માતો કર્યા બાદ પોલીસે કારચાલકની ધરપકડ કરી હતી. અને કારચાલક સામે ગુનો નોંધાયા બાદ તેને જામીન પણ મળી ગયા હતા. દરમિયાન દારૂ પીને વાહનો ચલાવનારા સામે કડક હાથે કામ લેવા ગાંધીનગરથી અમદાવાદ પોલીસને આદેશ કરાતા ગત રાત્રે પોલીસ રસ્તા પર ઉતરી આવી હતી, પોલીસે નાઈટ કોમ્બિંમ કરીને તમામ વાહનો અને વાહનચાલકો નશાની હાલતમાં તો નથીને તેની તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમ ઠેર-ઠેર નાકાબંધી કરી તેમજ બ્રેથ એનાલાઈઝર લઈને રસ્તા પર ઉભા રહી ગયા હતા.
અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાતે કોમ્બિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે શહેરમાં અલગ અલગ જગ્યાએ બેરીકેટિંગ અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. હજારો વાહનો ચેક કરવામાં આવ્યા અને અનેક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 400 જેટલા દારૂડિયાઓ પકડાયા છે. જેમાં ગોમતીનગરમાંથી પકડાયેલા એક દારૂડિયાનું તો હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થતા તેના પરિવારજનો શંકાસ્પદ મોતનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આઠ જેટલા લોકો અલગ અલગ જગ્યાએ દારૂ પીતા હોવાની વિગતના આધારે પોલીસે તમામને પકડી તમામ સામે ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગોમતીપુરના એક 27 વર્ષના દર્શન ચૌહાણને પણ દારૂના કેસમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. રાત્રે 10:00 વાગ્યાના અરસામાં જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તેને અન્ય કેદીઓની સાથે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. વહેલી સવારે જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારે તે સમયે તેને વેનમાં બેસાડવામાં આવ્યો હતો. અને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે વેનમાંથી ઉતરતા દરમિયાન તે ગબડી પડ્યો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.