ગાંધીનગરમાં સાંતેજ લૂંટ કેસમાં પોલીસે 5 આરોપીને દબોચી લીધા
- લૂંટારૂ શખસોએ ગાર્ડને બંધક બનાવીને 42 લાખથી વધુની લૂંટ કરી હતી,
- પોલીસે 500 જેટલાં સીસીટીવીના કૂટેજ તપાસીને 12 દિવસમાં લૂંટના ગુનાને ઉકલ્યો,
- પોલીસે 11.56 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
ગાંધીનગરઃ શહેર નજીક સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ પહેલા રાતના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ લૂંટ કેસને ઉકેલવા માટે સાંતેજ પોલીસે 500 સીસીટીવી ફૂટેજ ચકાસી પાંચ લૂંટારૂ શખસોને રૂ. 11.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા મયંક રસીકભાઈ પટેલની રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઇન્ડસ્ટ્રિઝ આવેલી છે. 12 દિવસ પહેલા મોડી રાત્રે 12 વાગે ચાર લૂંટારૂઓએ ત્રાટકી બે સિક્યુરીટી ગાર્ડને લાકડીઓ વડે માર મારી દોરડાથી હાથ પગ બાંધીને કંપનીની પાછળ આવેલા લીલા ઘાસમાં રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી બંધક બનાવીને બેસાડી રાખ્યા હતા. દરમિયાન લૂંટારૂ શખસોએ કંપનીના લોખંડનું શટરનું લોક તોડયું હતું અને વાહન સાથે અંદર પ્રવેશ કર્યો હતો. લૂંટારૂ શખસોએ કેબલ ઈન્ડસ્ટ્રીઝમાં પડેલા કોપર વાયરની લૂંટ ચલાવી હતી. તેમજ કંપનીની તિજોરીના લોક તોડી અંદર મુકેલા વેલ્ડીંગ કેબલનો તૈયાર માલ તેમજ વેલ્ડીંગ કેબલનો કોપરનો માલ તથા વાયરો લપેટવાના લોખંડના સ્પુલ 25 નંગ તેમજ કંપનીમાં લગાડેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર વગેરે મળીને કુલ. રૂ. 42.28 લાખ વધુના મુદ્દામાલની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા.
આ લૂંટના બનાવ બાદ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ આર મુછાળ સહીતની અલગ અલગ ટીમોએ ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરી બનાવ વાળી જગ્યાની આસપાસનાં વિસ્તારના 500 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં એક આઇશર ગાડી શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. જે ગાડીના માલિકની પૂછતાંછ કરતાં કિશન સમુન્દ્રનાથ યોગી (રાવલ) (રહે પ્લોટ નંબર-8 રામદેવ એસ્ટેટ મેલડી માતાજીના મંદિરની પાસે, ઓડ ગામ તા.દસક્રોઈ જી.અમદાવાદ મુળ રહે. ફાગપોલીયા ગામ તા.કરેડા જી.ભીલવાડા રાજસ્થાન) ને ગાડી ભાડે આપી હોવાનું જણાવ્યું હતુ. જેનાં પગલે પોલીસે કિશન યોગીને ઉઠાવી લઈ કડકાઈથી પૂછતાંછ કરતાં, કિશન યોગી, ભરત યોગી, રતનનાથ યોગી, જીવા પદમાત અને જગુનાથ યોગીએ પોતાના અન્ય 8 જેટલા સાગરીતો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કરવા માટે આઈશર ગાડી રૂ. 5500માં ભાડે લીધી હતી. પોલીસ તપાસમાં આ તમામ આરોપીઓ ભીલવાડાના છે અને છેલ્લા 4-5 વર્ષથી અહીંયા રહે છે. હાલમાં પોલીસે પાંચેય લૂંટારૂ પાસેથી રૂ. 11.56 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.