વડોદરામાં પોલીસની ડ્રાઈવ, દારૂ પીને વાહન ચલાવતા 25 ચાલકો પકડાયા
- ભયજનક ડ્રાઈવિંગ કરનારા 55 સામે પોલીસે ગુનો નોંધ્યો
- પોલીસે 126 વાહનોને ડિટેઇન કર્યાં હતાં
- હેલમેટ ન પહેરવા બદલ 22,511ને દંડ કરાયો
વડોદરાઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જે અકસ્માતોના બનાવો બન્યા એમાં ઘણા વાહનચાલકો નશાની હાલતમાં હતા. તેથી ડ્રિંગ અન્ડ ડ્રાઈવના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝૂંબેશ શરી કરવામાં આવી છે. પોલીસે ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારમાં વાહનચાલકોને રોકીને તપાસ કરતા ઘણા વાહનચાલકો પીધેલા પકડાયા હતા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કુલ 25 કેસ કર્યાં હતાં. જેના પગલે આડેધડ અને લાપરવાહીથી વાહન ચલાવતાં લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે. આ ઉપરાંત ભયજનક વાહન ચલાવનારા 55 વાહનચાલકો સામે એફઆઈઆર કરાઈ હતી.
વડોદરા શહેરમાં રક્ષિતકાંડ બાદ પણ અનેક વાહન ચાલકો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરીને અકસ્માતો સર્જી રહ્યાં છે. જેમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે બે દિવસ પહેલા જ મોડી રાતે નશો કરી કાર ચલાવીને 5થી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. આથી પોલીસ કમિશનરની સુચનાથી પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ગુરૂવારે વાહન ચેકીંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં 126 વાહનોને ડિટઈન કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઈવરના કુલ 25 કેસ કરવામાં આવ્યાં હતાં. તેમજ રોંગ સાઈડ તેમજ ભયજનક વાહન ચલાવતા વાહન ચાલકો દ્વારા પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં મુકતા હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ કુલ 55 કેસ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે છેલ્લા એક સપ્તાહમાં હેલમેટ ન પહેરવા બદલ 22,511 વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમજ સીટબેલ્ટ ન પહેરવા બદલ 3,924 કેસ અને રોંગ સાઈડમાં ડ્રાઈવિંગના 1802 કેસ નોંધવામાં આવ્યા હતા