અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ
- શંકાસ્પદ સંગઠિત ભિક્ષાવૃત્તિના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી બાળકોને બચાવી લેવાશે,
- પોલીસ અને બાળ કલ્યાણ વિભાગની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરશે,
- બાળકો ભાખ માગતા જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી,
અમદાવાદઃ શહેરમાં જાહેર ચાર રસ્તાઓ પર તેમજ મંદિરોની બહાર નાના બાળકો ભીખ માગતા જોવા મળી રહ્યા છે. બાળકોને ભણવાની કે રમતાની ઉંમરે ભીખ મંગાવવામાં આવી રહી છે. તેથી બાળકો દ્વારા ભીખ મંગાવવાનું નેટવર્ક તોડવા માટે અને બાળકોને ભીખ માગવાથી મુક્ત કરાવવા માટે શહેર પોલીસ દ્વારા આજથી 5 દિવસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શંકાસ્પદ સંગઠિત ભિક્ષાવૃત્તિના નેટવર્ક પર કડક કાર્યવાહી કરવાનો અને રસ્તાઓ પર શોષણનો ભોગ બની રહેલા અસહાય બાળકોને તાત્કાલિક બચાવવાનો છે.
શહેર પોલીસ કમિશ્નરના આદેશથી પોલીસ દ્વારા ભીખ માગતા બાળકોને મુક્ત કરાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ બાળકોના જીવન અને ભવિષ્યની સુરક્ષા માટે એક મોટું પગલું છે. ઘણીવાર આ બાળકોને ફરજિયાતપણે ભીખ માંગવા માટે મજબૂર કરવામાં આવે છે અને બાળકો શોષણનો ભોગ બનતા હોય છે. આ ઝૂંબેશમાં શહેર પોલીસની વિશેષ ટીમો અને બાળ કલ્યાણ વિભાગ (Child Welfare Department)ની ટીમો મળીને સંયુક્ત રીતે કામ કરી રહી છે. આ ટીમોનું લક્ષ્ય શોષિત બાળકોની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમનું યોગ્ય પુનર્વસન કરીને તેમને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાનું છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને આ કાર્યમાં સહયોગ કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરા છે. જાહેર રસ્તા પર કોઈ બાળક કે કોઈ અસહાય વ્યક્તિનું ભિક્ષા માટે શોષણ થતું હોય અથવા કોઈ સંગઠિત ભિક્ષાવૃત્તિ પ્રવૃત્તિ શંકાસ્પદ લાગે, તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવા અપીલ કરવામાં આવી છે.