લખતર-વિરમગામ હાઈવે પર પોલીસે બેફામ ઝડપે દોડતા 11 ડમ્પરોને ડિટેઈન કર્યા
- ઓવરલોડ અને નંબર પ્લેટ ન હોય એવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી
- કેટલાક ડમ્પરચાલકો પાસે લાયસન્સ પણ નહોતા
- પોલીસની કાર્યવાહીથી ડમ્પરચાલકોમાં ફફડાટ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરથી વિરમગામ જતા સ્ટેટ હાઈવે પર રેતી, કપચી ભરેલા ડમ્પરો બેફામ અને પૂરફાટ ઝડપે દોડતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. આથી લખતર પોલીસે બેફામ દોડતા ડમ્પરો સામે ડ્રાઈવ કરીને 6 ડમ્પરો પકડ્યા હતા. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસે પણ ડ્રાઈવ કરીને 5 ડમ્પરો ડિટેઈન કર્યા હતા. આમ 11 ડમ્પરોના ચાલકો સામે ગુના નોંધવામાં આવ્યા છે . જેમાં ઓવરલોડ, ડમ્પરોમાં આરટીઓની નંબર પ્લેટ ન હોવાના, ડમ્પરોના ચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાના અને પૂરઝડપે અને બેફકિરાઈથી ચલાવવાના જુદા જુદા ગુના નોંધવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા અકસ્માતોને રોકવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાની સૂચનાથી લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે પર ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લખતર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.પી. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લખતર પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઓવરલોડ ડમ્પરો, નંબર પ્લેટ વગરના વાહનો, તાડપત્રી વગરના ડમ્પરો તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો વગર ચાલતા ડમ્પરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન લખતર પોલીસ સ્ટેશને 6 અને જિલ્લા ટ્રાફિક પોલીસે 5 મળીને કુલ 11 ડમ્પરો ડિટેઇન કર્યા હતા. આ કાર્યવાહીથી હાઇવે પર બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ હાઇવે પર ડમ્પરોના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા, જેને રોકવા માટે આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.