અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતા પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ
- અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે રાતે વાહનોનું પણ કર્યું ચેકિંગ
- શહેરના 28 PIની સાગમટે બદલી કરી દેવામાં આવી
- દારૂનું વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચની બાજ નજર
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતી જાય છે. ત્યારે ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ગત રાતે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેરીકેડ લગાવીને રાતે વાહનોનું કડક ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોમાં ગુંડાઓનો ભય દુર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.
શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ શહેર પોલીસ એકશન મોડમાં આવી છે. પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા બેરીકેટિંગ લગાવી ચેકિંગ કરવામાં આવ્યુ હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વો અને જૂના ગુનેગારોની અટકાયત કરી પૂછપરછ પણ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ કમિશનરે એકસાથે 28 PIની બદલી કરી દેતા પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના પૂર્ વિસ્તારમાં પોલીસ દ્વારા સાંજના સમયથી જ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું શહેર ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પૂર્વના હાટકેશ્વર, મણીનગર, રામોલ, નિકોલ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને પૂછપરછ પણ કરવામાં આવી હતી. ગુનાહિત પ્રવૃતિઓ ચાલતી હોય તેવી જગ્યાએ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
શહેરના ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ, સરદારનગર, કૃષ્ણનગર, નરોડા સહિતના વિસ્તારમાં લિસ્ટેડ ગુનેગારોને બોલાવીને તપાસ કરવામાં આવી હતી. ગુનેગારોને સૂચના પણ આપવામાં આવી હતી કે, અસામાજિક કે ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં જોડાવું નહીં, નહીં તો કાયદો કાયદાનું કામ કરશે.