અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભરતી કૌભાંડમાં પોલીસે મહત્વના પુરાવા એકઠા કર્યા
- પોલીસે 3 કોમ્પ્યટર, OMR શીટ હાર્ડ અને સોફ્ટ કોપી જપ્ત કરી,
- આરોપી હેડ ક્લાર્કને સાથે રાખીને પોલીસે શરૂ કરી તપાસ,
- ટેકનિકલ સુરવાઈઝર ભરતીમાં 3 ઉમેદવારોના માર્ક્સ સુધારાયા હતા
અમદાવાદઃ શહેરની મ્યુનિ, કોર્પોરેશનમાં સહાયક ટેકનીકલ સુરવાઈઝરની ભરતીમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં જવાબદાર હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપી હેડ ક્લાર્ક પુલકિત વ્યાસને સાથે રાખીને તપાસ હાથ ધરી છે. ભરતી પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં ફરેફરા કરી ગેરકાયદેસર રીતે નોકરી અપાવવામાં આવી હતી, ત્યારે આ મામલે કારંજ પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસમાં સેન્ટ્રલ ઓફિસ વિભાગના ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં આરોપી હેડ ક્લાર્ક પુલકિત વ્યાસને સાથે જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસે ભરતી પ્રક્રિયા અંગેની તપાસ માટે ત્રણ કોમ્પ્યુટર અને ભરતીના હાર્ડ કોપી અને સોફ્ટ કોપીના ડેટા પણ મેળવ્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઈઝરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં મ્યુનિની સેન્ટ્રલ ઓફિસમાં કામ કરતા હેડ કલાર્ક દ્વારા ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં સુધારો કરીને પાસ કરાવી દેતા ત્રણેય ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળી ગયા હતા. ત્યારબાદ આ કૌભાંડ અગે કોઈએ નામજોગ અરજી મ્યુનિ.કમિશનરને કરતા તપાસ કરાતા કૌભાંડ પ્રકાશમાં આવ્યુ હતું. અને પસંદ થયેલા ત્રણેય ઉમેદવારોને હાંકી કઢાયા બાદ કૌભાંડમાં સંડોવાયેલો હેડ કલાર્કને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક આરોપી પુલકિત વ્યાસ દ્વારા ત્રણેય ઉમેદવારોનો કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ શું કોઇ નાણાકીય લેવડ દેવડ કરી હતી કે અન્ય કોઇ સંબંધમાં તેમનામાં માર્ક્સમાં વધારો કરીને નોકરીમાં નિમણૂક થાય તેમ ગોઠવણ કરી હતી તે અંગે કોઇ માહિતી બહાર પાડવામાં આવી રહી નથી. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બંને હજી આ મામલે તપાસ ચાલી રહી છે તેમ જણાવી રહ્યા છે. જોકે પોલીસ હાલ ત્રણ કોમ્પ્યુટર કબજે કરીને પરિણાની હાર્ડ અને સોફ્ટ કોપી મેળવીને અન્ય પુરાવા ભેગા કરી રહી છે. આરોપી હેડ ક્લાર્ક પુલકિત વ્યાસે ત્રણે ઉમેદવારો પાસેથી પૈસાથી કે અન્ય કોઈ સંબંધથી આ માર્ક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેની હજી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે, હજી પૂછપરછ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય કોઈની સંડોવણી હતી કે, કેમ તે અંગેની તમામ બાબતો બહાર આવશે.