For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં 8 સ્થળોએ પોલીસની ચેકપોસ્ટ કાર્યરત, રાઉન્ડ ધ કલોક વાહનોનું ચેકિંગ

06:22 PM Oct 28, 2024 IST | revoi editor
સુરેન્દ્રનગર જિલ્લામાં 8 સ્થળોએ પોલીસની ચેકપોસ્ટ કાર્યરત  રાઉન્ડ ધ કલોક વાહનોનું ચેકિંગ
Advertisement
  • સુરેન્દ્રનગરની બજારો તેમજ ST અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ,
  • ટ્રાફિકના નિયમોના ભંગના 200 કેસ નોંધાયા,
  • 26 શખસ સામે અટકાયતી પગલા લેવાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આજે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે. જિલ્લાના બહારગામ રહેતા લોકો દિવાળીના તહેવારો મનાવવા પોતાના વતન આવી રહ્યા છે. દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સુરેન્દ્રનગર તેમજ જિલ્લાના તમામ શહેરોમાં જ્યા લોકોની વધુ ભીડભાડ રહેતી હોય એવા સ્થળોએ પોલીસના ખાસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. તેમજ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રવેશતા 8 માર્ગો પર પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે, અને તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

સુરેન્દ્રનગર  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને જિલ્લાના દરેક લોકો કોઇ પણ ભય વિના મુક્ત મને આગામી દિવાળીનો તહેવાર ઉજવી શકે, વેપારીઓ પોતાનો વેપાર ધંધો કરી શકે અને જિલ્લામાં કોઇ અનચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચના અને માર્ગદર્શનના આધારે જિલ્લા પોલીસવડા ડૉ.ગિરિશ પંડ્યા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ એલસીબી, એસઓજી અને જિલ્લા ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો બનાવી ભીડભાડવાળી જગ્યાઓ, બજારો, બસ, સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવાળી તહેવાર નિમિત્તે જિલ્લામાં કુલ 8 જગ્યાએ ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી હતી. આ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક વાહન ચેકિંગ કરવામાં આવે છે. વાહન ચેકિંગ દરમિયાન કુલ 1108 શંકાસ્પદ વાહન તેમજ 44 શંકાસ્પદ શખસ તથા પડાવ ચેક કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને ગેરકાયદે રીતે વાહન ચલાવી નીકળતા શખસો વિરૂધ્ધ કુલ 200 કેસ કરવામાં આવ્યા અને 34 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગના કુલ 12 કેસ તેમજ ભયજનક રીતે વાહન ચલાવતા શખસો ઉપર 12 કેસ, જાહેરનામા ભંગના 5 કેસ કરાયા હતા. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી કુલ 26 શખસ વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જે કામગીરીમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ ઇન્સપેક્ટરો, પોલીસ કર્મચારી સાથે હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીના જવાનો જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement