ભાવનગરમાં મ્યુનિ.ટીમ પર હુમલાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી
- પોલીસે બે આરોપીને દોરડાથી બાંધી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી,
- મ્યુનિની ઢોર પકડ પાર્ટી પર બે શખસોએ લાકડી વડે હુમલો કરાયો હતો,
- મ્યુનિના બે કર્મચારીને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા
ભાવનગરઃ શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પોલીસની હાજરીમાં બે-ત્રણ શખસોએ લાકડીઓથી હુમલો કરતા બે કર્મચારીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીને ઝડપી લઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બન્ને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના સિદસર રોડ ચિત્રા ફિલ્ટર ટાંકી પાસે બે દિવસ પહેલા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર કરણ ગોકુળભાઈ, સાગર, વિશાલ ઉર્ફે બુધો અને એક અજાણ્યા શખસ સહિત ચાર શખસ દ્વારા લોખંડના પાઈપ અને લાકડીઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં ઢોર પકડતી ટીમના બે કર્મચારીને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે શિવભદ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે વરતેજ પોલીસ મથકમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને વરતેજ પોલીસે બુધા ઉર્ફે વિશાલ ગોકુળભાઈ શિયાળીયા અને સાગર જોધાભાઈ ગમારા બન્ને રહે. ફીલ્ટર ટાંકી પાસે, ચિત્રાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના કહેવા મુજબ બે દિવસ પહેલા શહેરના ચિત્રા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન અચાનક ચાર શખસો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર પકડતી ટીમ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા સુપરવાઇઝર અને એક કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે બે આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બન્ને શખસોને ઘટનાસ્થળે દારડે બાંધીને લઈ જઈને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી.