રાજકોટમાં બે ગેન્ગ વચ્ચે ફાયરિંગ બાદ પોલીસે મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોને દબોચી લીધા
- પેંડા ગેન્ગના 7 સાગરિતોની પણ અગાઉ ધરપકડ કરી હતી,
- મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોનું રિકન્સ્ટ્રક્શન કરાયુ,
- ત્રણેય આરોપીઓ લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી
રાજકોટઃ શહેરના મંગળા રોડ પર ગઈ તા. 29મી ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે બે ગેન્ગ વચ્ચે માથાકૂટ થતાં અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ કેસમાં ત્વરિત કામગીરી કરીને પેંડા ગેંગના સાત સભ્યોની દબોચી લીધા બાદ ગઈકાલે મૂર્ઘા ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી દોરડા બાંધી ત્રણેયને સાથે ઘટનાસ્થળ પર લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જાહેરમાં ત્રણેય આરોપીઓ લંગડાતા લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેંડા ગેંગના સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે હથિયાર સપ્લાયરની પણ શોધખોળ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી હતી કે, રાજકોટ શહેરના મંગળા રોડ પર ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ વચ્ચે સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં પોલીસે પેંડા ગેંગના સાત આરોપી બાદ ગઈકાલે મૂર્ઘા ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા, શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયાની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. જયારે અગાઉ ઝડપાયેલ પેંડા ગેન્ગના સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કરતા રિમાન્ડ મેળવી હથિયાર ક્યારે અને કોની પાસેથી લાવ્યા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ રાજકોટના મંગળા રોડ પર બે દિવસ પહેલા વહેલી સવારે 3.30 વાગ્યે પ્રગતિ હોસ્પિટલ પાસે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં બન્ને પક્ષે સમાધાન કરી લેતા પોલીસે ખુદ ફરિયાદી બની આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ, રાયોટીંગ, આર્મ્સ એક્ટ સહિતં કલમ હેઠળ ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે મૂર્ઘા ગેંગના સાત લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધી હતી જે પૈકી 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા સહીત ચાર આરોપીઓ હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.