ચોટિલામાં હથિયારો સાથે ATM તોડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી
- આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો,
- બે સ્થાનિક યુવાનોને ATM તોડવા બિહારથી ત્રણ શખસોની ગેન્ગને બોલાવી હતી,
- ત્રણેય શખસોને રાજકોટની હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરીને ATMની રેકી કરી હતી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટિલામાં બેન્કનું એટીએમ તેડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. આરોપીઓએ દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના હથિયારો સાથે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ શખસો એટીએમ તોડે એ પહેલા જ પોલીસે ગેંગનો પર્દાફાશ કરી તમાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોટીલા-થાનગઢ રોડ પરથી એક શંકાસ્પદ ફોરવ્હીલર ગાડી પોલીસને જોઈને ચોટીલાથી થાનગઢ તરફ નાસી છૂટી હતી. દરમિયાન પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. શંકાસ્પદ વાહન ચોટીલા-થાનગઢ રોડ પર આવેલા બાપા સીતારામ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારના અવાવરુ કાચા રસ્તે વળ્યું હતું. પોલીસે ગાડીને કોર્ડન કરીને રોકી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા. તેમની ઓળખ મેહુલ મકવાણા (રહે. રાજકોટ), અજય ઉઘરેજા (રહે. સુખપરા, તા. ચોટીલા), રોકીરાજ કુશવાહ (રહે. બિહાર), રવિશંકર રાજુ શાહ (રહે. બિહાર) અને બિરુકુમાર ચંદાર્મારામ રામે (રહે. બિહાર) તરીકે થઈ હતી.
આરોપીઓ પાસેથી અને ગાડીમાંથી કુલ રૂ. 2,63,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, એક લોખંડની હથોડી, એક નાનું ત્રિકમ જેવું હથિયાર, એક લોખંડ કાપવાની આરી, એક પતરા કાપવાની કાતર, આઠ બ્યુટેન ગેસની બોટલ (200 ગ્રામ), કેમેરા પર કલર કરવા માટેનો સ્પ્રે, ગેસ બોટલ પર લગાવવાની વાલ્વ વાળી સિંગલ નાળની નોઝલ, ડબલ નાળની નોઝલ, બે કાળા ચશ્મા, છ મોબાઈલ ફોન અને રૂ. 3500 રોકડાનો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અજય ઉર્ફે અંકિત ઉઘરેજાને પૈસાની જરૂર હતી. આશરે એક મહિના પહેલા દિલ્હી ખાતે તેમની ઓળખાણ બિરુકુમાર ચંદર્મારામ સાથે થઈ હતી. અજય બિરુકુમારને કામ માટે રાજકોટ લાવ્યા હતા, ત્યારબાદ બિરુકુમાર બિહાર પરત ફર્યા હતા. બાદમાં, અજયે બિરુકુમારને ફોન કરીને એટીએમ તોડવાના કામ બાબતે વાત કરી હતી. જેના પગલે બિરુકુમાર ચંદર્મારામ, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ અને રવિશંકર રાજુ શાહ ત્રણેય બિહારથી રેલવે મારફતે અમદાવાદ સુધી આવ્યા હતા અને ચોટીલા ખાતે અજય ઉર્ફે અંકિત મળ્યો હતો. ચોટીલાથી ચારેય ઇસમો રાજકોટ ગયા હતા. જ્યા અજયે તેના બનેવી મજકુર ઇસમ મેહુલને બોલાવ્યો જ્યારે મેહુલે રોકીરાજ તેમજ રવિશંકર તથા બિરૂકુમાર એમ ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપ્યો હતો. ત્રણ ચાર દિવસ સુધી બધાએ ભેગા મળી ચોટીલા ખાતે એસ.બી.આઇ. બેન્કનું એટીએમ તોડવાનું કાવતરૂ ઘડ્યુ હતું. અજય તેમજ મેહુલ બન્ને એટીએમની રેકી કરી ગયા બાદ તા. 20/11/2025ના રોજ રાજકોટ ખાતેથી તમામ આરોપીઓ સાથે રહી તમંચો તથા બે જીવતા કાર્ટીસ સાથે રાખી એટીએમ તોડવા માટેનો સામાન ખરીદી કર્યો હતો. જે બાદ રાત્રીના નવેક વાગ્યે નિકળી ચોટીલા ખાતે ફરીવાર આવી એટીએમની રેકી કરી હતી. રવિવારની રાત્રી હોવાથી પાંચેય ઇસમો ATMની લૂંટ કરવા ધાડ પાડવાની તૈયારી કરી હતી. જોકે, એટીએમ તોડે એ પહેલા જ ગેંગનો પર્દાફાશ થયો છે. ચોટીલા પોલીસે પાંચેય શખસોને ઝડપી લીધા હતા.