પોરબંદર-ધોરાજી હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતા બાઈક ચાલકોની પોલીસે કરી ધરપકડ
- સ્ટંટબાજ બે બાઈકસવારોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો,
- પોલીસે પણ બન્ને યુવાનોને માફી માગતો વિડિયો બનાવીને વાયરલ કર્યો,
- હાઈવે પર બાઈકચાલકોના સ્ટંટથી અન્ય વાહનચાલકો પણ ડરી ગયા હતા,
રાજકોટઃ આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનું વલગણ એટલું બધુ છે કે, ફેમસ થવા અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી. અને કાર કે બાઈક પર અવનવા સ્ટંટ કરીને બીજાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બે યુવાનો પોરબંદર ધારાજી હાઈવે પર ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા હતા અને સ્ટંટ કરી પોતાની સાથે અન્યની જિંદગી પણ જોખમમાં મુકતા નજરે પડ્યા હતા. આ વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરીને ગોંડલના બે યુવાનોને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફક્ત એટલું જ નહિ પોલીસે કાર્યવાહી કરતા બંને યુવાનોએ હાથ જોડી માફી માંગતો વીડિયો બનાવી લોકોને પણ આ રીતે સ્ટંટ ન કરવા અપીલ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં સોશિયલ મીડિયામાં અલગ-અલગ ત્રણ વીડિયો વાયરલ થયા હતા. જેમાં હાઇ-વે પર યુવાનો બાઈક પર સૂતા-સૂતા પૂરપાટ ઝડપે સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. આ વાયરલ વીડિયો અંગે તપાસ કરતા વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજી-પોરબંદર હાઇ-વે પરનો હોવાનું જાણવા મળ્યુ હતું. જેના આધારે ધોરાજી પોલીસમાં સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બંને યુવાનો ગોંડલ તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જેથી, તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આ તપાસ દરમિયાન વીડિયો એક માસ પૂર્વે 28 સપ્ટેમ્બરના રોજનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે, ધોરાજી ખાતે તા.28 સપ્ટેમ્બરના રોજ ખ્વાજાબાપુનુ ઉર્ષ હતું ત્યારે રાત્રીના આશરે 12.30થી 1 વાગ્યા આસપાસ ધોરાજી-રાજકોટ-પોરબંદર નેશનલ હાઇ-વે પર ભુતવડ પાટીયા લઇ ધોરાજી જામકંડોરણા ચોકડી સુધી ગોંડલમાં રહેતો નવાઝ દિલાવરભાઈ પઠાણ પોતાનું બાઈક જીજે.03.પીબી.0420 તથા ભોજપરા ગામમા રહેતો રાહુલ ભુપતભાઇ કુવડીયા પોતાનું બાઈક જીજે.03.એનડી.5014 લઈ જાહેર રોડ પર બીજાની જીંદગી જોખમમા મુકાય તે રીતે જોખમી સ્ટંટ કરી ચલાવી લોકોને તથા આજુબાજુમા માણસોને નુકશાન તથા ત્રાસ થાય એવુ કાર્ય કર્યુ હતુ, અને તેનો વીડિયો રેકોર્ડીંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલ પોલીસે બંને શખ્સો સામે BNS કલમ 125, 270, 281, તથા એમ.વી.એક્ટ 184 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
 
            