નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સાબદી બની, સઘન ચેકીંગ
અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા પોલીસ સજ્જ થઈ છે. જામનગર જીલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોની પાલનાને સુનિશ્ચિત કરવા ચેકિંગ હાથ ધરાયું હતું.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની આગેવાનીમાં અલગ અલગ સ્થળોએ ચેકિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચની અનિયમિતતા, વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અન્ય ટ્રાફિક નિયમોની અવગણનાને લઇને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 31 ડિસેમ્બરના વિશેષ સાવચેત સમયગાળામાં ટ્રાફિકના નિયમો કડક રીતે અમલમાં લાવવામાં આવશે, અને જાહેર જનતાને પણ સલામતી માટે નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે તહેવારની ઉજવણી દરમિયાન પડોશી રાજ્યોથી દારૂની હેરફેરની શક્યતાઓ વધે છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા તાપી જિલ્લામાં પોલીસ એલર્ટ બની છે. તાપી પોલીસ દ્વારા અલગ અલગ ચેકપોસ્ટ સ્થાપિત કરીને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
તાપી જીલ્લાના પોલીસ અધિકારીઓએ મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં દારૂની હેરફેર રોકવા માટે કડક ચેકિંગ હાથ ધર્યું છે. દારૂ સાથે સંકળાયેલા શંકાસ્પદ વાહનોની તપાસ, મુસાફરોના દસ્તાવેજો અને અન્ય સામાનની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ખાસ સાવચેતીના પગલાં રૂપે સીમાઓ પર સઘન ચેકપોસ્ટ્સ ગોઠવાઈ છે અને સ્થાનિક સ્તરે પણ ખબરોની આધારે આઈબી અને સ્થાનિક પોલીસના સહકારથી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જાહેર જનતાને તહેવાર દરમ્યાન સલામત રહેવા માટે નિયમિત માર્ગદર્શન આપ્યું છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવને ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવી છે. સજ્જ પોલીસ અને કડક ચેકિંગ દ્વારા રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને શાંતિપૂર્ણ અને સલામત બનાવવા પ્રયાસ કરવામાં આવશે.