દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ, ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું
- ગુજરાતમાં અંબાજી સહિત તમામ મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો,
- ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાયુ,
- રાત્રે હોટલો અને ગેસ્ટ હાઉસની પણ તપાસ કરવામાં આવી
અમદાવાદઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સોમવારે સમીસાંજે થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા સહિત તમામ મંદિરોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત જ્યા લોકોની ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાતં તમામ મહાનગરોમાં હોટલો અને ગેસ્ટ હાઉસમાં પ્રવાસીઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

દિલ્હીની ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. તમામ મહત્વના સ્થાનો, પ્રવાસન અને ધાર્મિક સ્થાનો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત મહાનગરો તથા અંબાજી સહિત ધાર્મિક સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે.મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્તિ દ્વાર ખાતે સુરક્ષા કર્મીઓ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટમાં ઇન્ડિયા એ અને આફ્રીકા એની ટીમો જે હોટલમાં રોકાઈ છે તેની સુરક્ષા વધારવામાં આવી છે.
આ ઉપરાંત સુરતમાં રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલ્વે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદ સહિત મહાનગરોમાં પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં, પરંતુ તેની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અજાણ્યો અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ વચ્ચે રાજકોટમાં રોકાયેલા ભારતીય અને આફ્રિકન ક્રિકેટરોની સુરક્ષા માટે ચુસ્ત પોલીએ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે 10 દિવસ સુધી ભારત ટીમ A અને આફ્રિકા ટીમ Aના ખેલાડીઓ રોકાણ કરવાના છે ત્યારે તેમના માટે પૂરતી સુરક્ષા શહેર પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર ખેમાણા ટોલનાકા નજીક પોલીસ વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાની અન્ય બોર્ડર પર પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કર્યું છે.