પીઓકે આપોઆપ ભારતમાં સામેલ થશેઃ રાજનાથસિંહ
મોરોક્કોઃ ભારતના રક્ષા પ્રધાન રાજનાથસિંહ હાલ બે દિવસીય મોરોક્કો પ્રવાસે છે. કોઈ ભારતીય રક્ષા પ્રધાનનો આ પ્રથમ મોરોક્કો પ્રવાસ છે. તેઓ અહીં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. રક્ષા મંત્રાલય મુજબ આ પ્લાન્ટ આફ્રિકા ખંડમાં પહેલી ભારતીય રક્ષા ઉત્પાદન એકમ છે. આ દરમિયાન તેઓ મોરોક્કોના રક્ષા પ્રધાન અબ્દેલતીફ લૌદિયી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. રાજનાથસિંહે મોરોક્કોની રાજધાની રબાત ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
ભારતીય સમુદાય સાથે વાતચીત દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે, “ભારત પ્રત્યેની ભક્તિ, સ્નેહ અને પ્રેમ આપણા માટે સ્વાભાવિક છે. દુનિયાના કોઈ ખૂણે હોઈએ, ભારતીય હોવાનો ગૌરવ ક્યારેય ભૂલવો નહીં. ભારતીય હોવાના કારણે આપણી જવાબદારીઓ અનોખી છે. મોરોક્કોમાં જીવનનિર્વાહ કરી રહ્યા હોઈએ તો અહીંના દેશ સાથે દગો ન કરવો એ જ ભારતનો સ્વભાવ છે.”
રક્ષા પ્રધાને દૃઢ સંદેશ આપતાં કહ્યું કે, “પી.ઓ.કે. આપણું છે અને તે આપોઆપ ભારત સાથે જોડાશે, ત્યાંથી જ માંગ ઉઠવા લાગી છે. મેં 5 વર્ષ પહેલા કહ્યું હતું કે અમને પી.ઓ.કે. પર હુમલો કરવાની જરૂર નહીં પડે, એ ખુદ કહેશે – 'હું પણ ભારત છું' તે દિવસ આવશે.
રાજનાથસિંહે જણાવ્યું કે, “જેમણે અમારાં લોકોને માર્યા, અમે એ જ લોકોને નિશાન બનાવ્યા છીએ. નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓ પર અમે ક્યારેય હુમલો કર્યો નથી. આતંકીઓ આવ્યા, અમારા નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા, પરંતુ અમે તેમના ધર્મને નહીં, તેમના કર્મને જોઈને જવાબ આપ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “પહેલગામમાં 26 લોકોના હત્યા પછી અમે સૈન્યથી તૈયારી અંગે વાત કરી અને તેઓ પૂરેપૂરી રીતે તૈયાર હતા, ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હરિ ઝંડી આપી હતી. ત્યાર પછી અમે સરહદ પાર 100 કિમી અંદર જઈ આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી, જે અમે સ્વીકારી હતી, પરંતુ આ ફક્ત વિરામ છે, ‘ઓપરેશન સિંદૂર’ ફરી શરૂ થઈ શકે છે.”
રક્ષા પ્રધાને કહ્યું કે, “એક સમય હતો જ્યારે ભારતની વાતને આંતરરાષ્ટ્રીય મંચે ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. આજે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા ધ્યાનથી સાંભળે છે. વૈશ્વિક પડકારો છતાં ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે.”
રાજનાથસિંહે જણાવ્યું કે, “ભારતમાં આજે 1.60 લાખથી વધુ સ્ટાર્ટઅપ છે, જ્યારે 2014માં માત્ર 500 હતા. યુનિકોર્નની સંખ્યા પણ 18થી વધી 118 થઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમથી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળશે. ભારત હવે સ્ટાર્ટઅપ્સ અને નવીનતાનો વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે.”