PNB કૌભાંડઃ ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ
નવી દિલ્હીઃ ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બેલ્જિયમની પોલીસે તેની ધરપકડ કરી છે અને સીબીઆઇની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારે હવે બેલ્જિયમમાંથી તેના પ્રત્યર્પણની તૈયારીઓ કરી છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે અરબો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી છે. માર્ચ મહિનમાં એ ખુલાસો થયો હતો કે, ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં છુપાયેલો છે. ત્યાર બાદ તેના ધરપકડની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી હતી. હવે સરકાર તેને ભારત લાવશે.
2018માં ભારત છોડીને ભાગી ગયા બાદ મેહુલ ચોકસીને ન્યાય અપાવવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોમાં તેની ધરપકડને એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી મુજબ, મેહુલ ચોક્સીની CBIની વિનંતી પર ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓએ તેને બેલ્જિયમમાં જામીન પર શોધી કાઢ્યો છે. હકીકતમાં, 2021ના અંતમાં, તે એન્ટિગુઆથી ભાગી ગયો હતો. આ ભાગેડુ અંગે ભારતીય તપાસ એજન્સીઓ બે મહિનાથી બેલ્જિયમની એજન્સીઓના સંપર્કમાં હતી, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે, જ્યાં તેમના પર બેંક સાથે રૂ. 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. તે જ સમયે, મુંબઈની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ બે ઓપન-એન્ડેડ ધરપકડ વોરંટ જારી કર્યા છે. પહેલું વોરંટ 23 મે 2018ના રોજ જારી કરવામાં આવ્યું હતું અને બીજું વોરંટ 15 જૂન 2021 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ વોરંટ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંદર્ભમાં જારી કરવામાં આવ્યા હતા.