પીએમ મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ મુલતવી રખાયો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપના ત્રણ દેશોનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, એમ સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. મોદી 13 થી 17 મે દરમિયાન ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની મુલાકાતે જવાના હતા. પ્રધાનમંત્રી નોર્ડિક સમિટમાં ભાગ લેવા માટે નોર્વે જવાના હતા. સંબંધિત દેશોને આ નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ પણ તેમનો રશિયા પ્રવાસ મુલતવી રાખ્યો હતો. પ્રધાનમંત્રી 9 મેના રોજ મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવાના હતા. પીએમ મોદીને રશિયા દ્વારા વિજય દિવસ પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે પીએમ મોદીએ તેમની મુલાકાત મુલતવી રાખી હતી.
અગાઉ, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પહેલગામનો બદલો લીધો હતો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. ભારતે મુઝફ્ફરાબાદ, બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ અને કોટલીમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. દેશની ત્રણેય સેનાઓએ સાથે મળીને આ મિશન પૂર્ણ કર્યું.