આજે PM મોદીનો 75મો જન્મદિન, ગુજરાતમાં 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયા
- ગાંધીનગરમાં મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો,
- દરેક કેમ્પમાં ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે,
- વડાપ્રધાનના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યવ્યાપી યોગ કેમ્પનો શુભારંભ કરતાં યુવા સાંસ્કૃતિક, રમત-ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અલગ અલગ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ નાના નાના ગ્રુપ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. જે કદાચ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં એવો કાર્યક્રમ બનશે, જેમાં કોઈ રાજ નેતાના જન્મ દિવસે અનેક સામાજિક કાર્યક્રમો થકી લાખો ચહેરાઓ પર ખુશી આવશે.
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ આજે યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસથી તા. 17 ઓક્ટોબર સુધી આયોજિત પ્રથમ તબક્કાના 75 કેમ્પમાં પ્રત્યેક કેમ્પ દીઠ 100થી વધુ એટલે કે 7500થી વધારે નાગરિકોને ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ નિરોગી શરીર માટે ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે
ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે દેશભરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે આંખનું ઓપરેશન, હાર્ટનું ઓપરેશન, ગરીબ બાળકો માટે સ્કૂલ ફીની વ્યવસ્થા જેવા અનેક માનવતાના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. વધુમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક લાખ નાગરિકોએ બ્લડ ડોનેશનનો સંકલ્પ લીધો છે તેમજ તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત 57 હજાર જેટલા કર્મચારીઓએ પણ વડાપ્રધાનના જન્મદિવસના આગળના દિવસે એક દિવસની અંદર મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરીને ઇતિહાસ રચ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.17 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર-2025 સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર-2015 સુધી શરૂ થતાં પ્રથમ તબક્કામાં રાજ્યના વિવિધ 75 સ્થળે ‘યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગને ઘર ઘર સુધી પહોચાડવો ખૂબ જ જરૂરી છે.
આ યોગ કેમ્પમાં બ્રહ્માકુમારીના કૈલાશદીદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અંકિત બારોટ, શ્રીમતી દિપીકાબેન સોલંકી, યોગ બોર્ડના OSD શ્રીમતી મૃણાલદેવી ગોહિલ, સ્ટેટ કો ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ગાંધીનગરના કો ઓર્ડીનેટર શ્રીમતી ભાવનાબેન જોશી, ગાંધીનગર હોમગાર્ડના કમાન્ડર વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.