મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. "धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।" ગીત ભારતના ભોજપુરી ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, જે અહીં સ્થાયી થયેલા ભારતીય સમુદાય દ્વારા મોરેશિયસ લાવવામાં આવ્યું છે.
મોરેશિયસમાં પરંપરાગત ભોજપુરી સંગીત શૈલી 'ગીત ગવઈ' ખૂબ લોકપ્રિય છે. યુનેસ્કોએ ડિસેમ્બર, 2016 માં તેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોરેશિયસમાં તેમના સ્વાગત વિશે માહિતી આપી. તેમણે કહ્યું, "મોરેશિયસમાં ભારતીય સમુદાય તરફથી મારું ઉષ્માભર્યું સ્વાગત થયું છે. ભારતીય વારસો, સંસ્કૃતિ અને મૂલ્યો સાથે તેમનું મજબૂત જોડાણ ખરેખર પ્રેરણાદાયક છે. ઇતિહાસ અને હૃદયનું આ બંધન પેઢી દર પેઢી ખીલતું રહે છે."
પ્રધાનમંત્રી મોદી 12 માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત ભારત-મોરેશિયસ સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, 2015 પછી આ પ્રધાનમંત્રી મોદીની મોરેશિયસની પ્રથમ મુલાકાત છે. પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાન મોરેશિયસના રાષ્ટ્રપતિને મળશે અને પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રીની કાર્યસૂચિમાં મોટા પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનનો પણ સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન અનેક સમજૂતી કરારો (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. જે દરિયાઈ સુરક્ષા, આરોગ્ય, વેપાર, નાના અને મધ્યમ ઉદ્યોગો અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપશે. જેનો ઉદ્દેશ્ય ભારતના તેના પડોશી દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો છે.