PM મોદીનો નેપાળની કાર્યકારી PM સુશીલા કાર્કી સાથે વાત કરી, શાંતિ બહાલી માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નેપાળની કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મોદીએ નેપાળમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો પ્રત્યે ભારતના દૃઢ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ ‘X’ પર લખ્યું હતું કે, *“નેપાળની કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે હૃદયપૂર્વકની વાતચીત થઈ. તાજેતરમાં થયેલા દુઃખદ જનહાનિ માટે સંવેદના વ્યક્ત કરી અને શાંતિ તથા સ્થિરતા માટેના તેમના પ્રયાસોને ભારત તરફથી મજબૂત સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો. સાથે જ નેપાળના રાષ્ટ્રીય દિવસની પૂર્વસંધ્યાએ તેમને અને નેપાળની પ્રજાને શુભેચ્છા પાઠવી.”
ગયા 8 સપ્ટેમ્બરે નેપાળની સંસદ ભંગ થયા બાદ થયેલા હિંસક અથડામણો અને વિરોધ પ્રદર્શનોને કારણે સુશીલા કાર્કીએ કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું. આ આંદોલનોમાં ખાસ કરીને જનરેશન-ઝેડના યુવાનોની મોટી ભૂમિકા રહી હતી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદ્યા બાદ ભ્રષ્ટાચાર, જવાબદારીની અછત અને રાજકીય વર્ગની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.
73 વર્ષીય સુશીલા કાર્કી, જે નેપાળની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકી છે, હવે દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી પણ બની છે. તેમને જનરેશન-ઝેડના યુવાનોનું મજબૂત સમર્થન પ્રાપ્ત છે, જે તાજેતરના રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવનાર સાબિત થયો છે. તેઓ 5 માર્ચ, 2026 સુધી કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે રહેશે, ત્યાર બાદ નવી સંસદ દ્વારા આગામી પ્રધાનમંત્રીની પસંદગી કરવામાં આવશે.
ગયા શુક્રવારે કાર્કીએ સત્તાવાર રીતે કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે શપથ લીધો હતો. પૂર્વ પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીના રાજીનામા બાદ વ્યાપક જનદબાણ અને વિરોધ પ્રદર્શનોને પગલે કાર્કીનું નામ સામૂહિક રીતે આગળ આવ્યું હતું. આ પહેલા મંગળવારે કાઠમંડુ સ્થિત સિંહદરબારમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવએ પ્રધાનમંત્રી કાર્કીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા પહોંચાડતાં બંને દેશો વચ્ચેની મિત્રતા અને સહકારના સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.