મુંબઈમાં PM મોદીની બ્રિટિશ PM કિયર સ્ટાર્મર સાથે મુલાકાત, “ભારત-બ્રિટન સંબંધ વધુ મજબૂત બનશે”
મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં બ્રિટનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ‘વિઝન 2035 રોડમેપ’ હેઠળ ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, રક્ષા, જળવાયુ પરિવર્તન અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. બંને નેતાઓ CEO ફોરમ અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં પણ ભાગ લેશે.
બ્રિટનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર હાલમાં ભારતની મુલાકાતે છે. તેમની આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચેની મજબૂત ભાગીદારી માટે નવી આશાઓ ઉભી થઈ છે. બુધવારે કિયર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) દ્વારા મળનારા અવસરો “અદ્વિતીય” છે. પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ સ્ટાર્મરની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા.