પીએમ મોદીએ નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
નવસારી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારી જિલ્લામાં 'લખપતિ દીદી' યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાંસી બોરસી ગામમાં 'લખપતિ દીદી સંમેલન'માં હાજરી આપવાની સાથે પીએમ મોદીએ 25,000 થી વધુ સ્વ-સહાય જૂથો (SHG) ની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ પણ કર્યું હતું.
'લખપતિ દીદી' યોજના કેન્દ્ર સરકાર દ્વારા 2023 માં શરૂ કરવામાં આવી હતી અને તે સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યોને 'લખપતિ દીદી' તરીકે ઓળખે છે જેમની વાર્ષિક આવક કૃષિ, પશુપાલન અને નાના ઉદ્યોગોમાંથી ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા છે.
મોદીએ 'લખપતિ દીદીઓ'ના જૂથ સાથે 'પ્રેરણા સંવાદ'માં ભાગ લીધો હતો, જેમાં મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોજિત આ કાર્યક્રમમાં સુરક્ષા માટે માત્ર મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી હતી.