PM મોદીએ વોશિંગ્ટન ડીસી વિમાન દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુ:ખ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રીગન નેશનલ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર અને પ્લેન વચ્ચે હવામાં ટક્કર થઈ હતી જેમાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા.આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ કરી હતી.
તેમણે લખ્યું કે, “વોશિંગ્ટન ડીસીમાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. અમે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે દુખની આ ઘડીમાં અમેરિકી લોકો સાથે ઉભા છીએ.”
તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પાસે એક પેસેન્જર પ્લેન હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ વિમાનમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. આ પ્લેન કેન્સાસ સિટીથી વોશિંગ્ટન જઈ રહ્યું હતું. વોશિંગ્ટન ડીસી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના બાદ ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી હતી.
પ્લેન પોટોમેક નદીમાં પડી ગયું હતું, જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્લેન વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ આ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક રનવે પર પહોંચતી વખતે પેસેન્જર પ્લેન સિકોર્સ્કી H-60 હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. જે પ્લેન ક્રેશ થયું તે અમેરિકન એરલાઈન્સનું હતું.
પેસેન્જર પ્લેનનું સંચાલન કરતી અમેરિકન એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનમાં 60 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. એક અમેરિકન સંરક્ષણ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બ્લેક હોક હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો હતો કે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક સર્જાયેલી દુર્ઘટનાને પગલે નદીમાંથી કોઈ પણ બચી શકાયું નથી.