વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય જટિલ મુદ્દાઓ અંગે ફોન ઉપર સમજુતી કરતા નથી
નવી દિલ્હી : જર્મન અખબાર ફ્રેન્કફર્ટર અલ્ગેમાઇનની એક રિપોર્ટ બાદ અમેરિકા-ભારતના સંબંધોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ચાર ફોન કૉલનો જવાબ આપ્યો નહોતો. આ ખુલાસો ત્યારે થયો છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત મતભેદો વધ્યા છે. જાપાનના મીડિયા નિક્કેઈ એશિયાએ પણ એવો જ દાવો કર્યો કે, ટ્રંપ વારંવાર ફોનનો જવાબ ન મળતાં ખૂબ નારાજ હતા. જોકે, ભારતના એક વરિષ્ઠ રાજદ્વારી અધિકારીએ સ્પષ્ટ કર્યું કે મોદી સંવેદનશીલ મુદ્દાઓ ફોન પર ચર્ચા કરતા નથી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય જટિલ મુદ્દાઓ અંગે ફોન પર સમજૂતી કરતાં નથી.
સ્રોતોના જણાવ્યા અનુસાર, મોદીએ ટ્રંપના ફોનનો જવાબ ન આપવાનો નિર્ણય એ કારણે કર્યો કે ટ્રંપ વાતચીતને પોતાની રીતે પેશ કરી શકે છે. અગાઉ પણ ભારતે ટ્રંપ પર આરોપ મૂક્યો હતો કે ભારત-પાકિસ્તાન તણાવ દરમ્યાન થયેલી ચર્ચાઓને તેમણે તોડમરોડ કરી રજૂ કરી હતી. અમેરિકી અધિકારીઓએ હકીકતમાં ફોન થયા હતા કે નહીં તેની પુષ્ટિ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ, ટ્રંપે છેલ્લા ચાર મહિનામાં વારંવાર દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી સંભાવિત પરમાણુ યુદ્ધને અટકાવ્યું હતું. જોકે, તેમણે દરેક વખતે સમયરેખા અને વિમાનોની સંખ્યા અલગ રીતે રજૂ કરી હતી. વોશિંગ્ટનના વિશ્લેષકોનો મત છે કે ટ્રંપ પોતાનાને "શાંતિદૂત" તરીકે દર્શાવવા વિવિધ દાવા કરી રહ્યા છે.
તણાવ ત્યારે વધુ ઊંડો થયો જ્યારે મોદીએ કેનેડામાં યોજાયેલા જી-20 સમિટ પછી વ્હાઇટ હાઉસ આવવા માટે ટ્રંપ દ્વારા અંતિમ ક્ષણે મોકલાયેલા આમંત્રણને નામંજૂર કર્યું હતું. ટ્રંપે આ મુલાકાતમાં પાકિસ્તાનના સેનાપતિ અસીમ મુનીરને પણ આમંત્રિત કર્યા હતા અને તેને ભારત-પાકિસ્તાન શાંતિની દિશામાં પગલું ગણાવ્યું હતું. પરંતુ નવી દિલ્હીએ આ પગલાની કડક ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આતંકવાદનો ભોગ બનેલા ભારત અને આતંક ફેલાવનારા પાકિસ્તાનને એક જ સ્તરે રાખવું અત્યંત અપમાનજનક છે.