મહિલા વર્લ્ડ કપ 2025 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત પર PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ
મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીની દીકરીઓને શુભકામના પાઠવી છે. PM મોદીએ કહ્યું કે, 'ભારતે શાનદારી પ્રદર્શન કર્યું, આ જીત ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ બનશે.'
મહિલા વર્લ્ડ કપ 2025 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પોસ્ટ કરીને લખ્યું કે, 'ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય. ફાઇનલમાં તેમનું પ્રદર્શન મહાન કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને મક્કમતા દર્શાવી, ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કરશે.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું કે, "વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને સલામ! આ રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે કારણ કે આપણી દીકરીઓએ ICC મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યો છે. લાખો દીકરીઓ માટે પ્રેરણા સમાન જીત છે."
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું કે, "ઐતિહાસિક જીત! વિશ્વને હરાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન. દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન. તમે બધા રાષ્ટ્રનું ગૌરવ છો. ભારત માતા કી જય!"
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "ભારતની વિશ્વને હરાવનારી દીકરીઓએ અથાક મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસ દ્વારા દેશને સન્માન આપ્યું છે. અમને તમારા પર ગર્વ છે."