પહેલગામ આતંકી હુમલાને પગલે પીએમ મોદી સાઉદીનો પ્રવાસ રદ કરી પરત ફર્યા, એરપોર્ટ ઉપર બોલાવી તાત્કાલિક બેઠક
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દુઃખી થયેલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ રદ કર્યો અને તાત્કાલિક ભારત પાછા ફર્યા. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર એક કટોકટી બેઠક બોલાવી. આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને વિદેશ સચિવ હાજર હતા. પ્રધાનમંત્રીના પરત ફર્યા પછી તરત જ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી બુધવારે સવારે અન્ય તમામ વ્યસ્તતાઓ છોડીને સ્વદેશ પરત ફર્યા.
મંગળવારે પહેલગામમાં નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર થયેલા કાયરતા પૂર્ણ હુમલાની ચારેબાજુ નિંદા થઈ રહી છે. હુમલા પછી તરત જ પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. અમિત શાહ તરત જ શ્રીનગર પહોંચ્યા. ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં IB ચીફ અને ગૃહ સચિવ પણ હાજર હતા. આ ઉપરાંત અમિત શાહે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. CRPFનાં DG,જમ્મુ અને કાશ્મીરનાં DG તથા સેનાના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું."
તેમણે વધુમાં કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટના વિશે જાણ કરી અને સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી. બધી એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર રવાના થઈશ." જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કહ્યું, "હું ખૂબ જ આઘાતમાં છું. અમારા મુલાકાતીઓ પરનો આ હુમલો એક ઘૃણાસ્પદ કૃત્ય છે. મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે વિદેશીઓ સહિત ઓછામાં ઓછા 16 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને 20 અન્ય પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. જોકે, મૃત્યુઆંક વધુ વધી શકે છે. આખી દુનિયાએ આ હુમલાની નિંદા કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના પર નજર રાખી રહ્યા છે.