PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક મેળવ્યો હતો.
સૂત્રો મુજબ, બેઠક દરમિયાન પી.એમ. મોદીએ SIR પ્રક્રિયા ‘શુદ્ધિકરણ અને પારદર્શિતા’ લાવવા માટેની જરૂરી કાર્યવાહી હોવાનું જણાવ્યું હતું. તેમણે સાંસદોને સમજાવ્યું કે, આ એક સરળ પ્રક્રિયા છે અને તેને જટિલ રીતે રજૂ ન કરવાની જરૂર છે. “ સામાન્ય લોકો સુધી પણ આ જ સંદેશો સ્પષ્ટ રીતે પહોંચાડવો જરૂરી છે,” તેમ પી.એમ મોદીએ જણાવ્યું હતું. પી.એમ. મોદીએ ઉમેર્યું કે, “SIRનો હેતુ માત્ર એટલો છે કે પાત્ર મતદારોને યાદીમાં સામેલ કરાય અને જે પાત્ર નથી તેમને દૂર કરાય.”
સાંસદો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ચૂંટણી માટે “મહેનત અને જનસંપર્ક વધારવાની” સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારના કાર્યને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવું અત્યંત જરૂરી છે.
બીજી તરફ, ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ લિક થયેલા વોટ્સએપ મેસેજનો હવાલો આપતાં આક્ષેપ કર્યો છે કે બંગાળ પ્રશાસન SIR દરમિયાન મૃત્યુ પામેલા મતદારોના નામ વોટર લિસ્ટમાં જાળવી રાખવા પ્રયત્નશીલ છે. જોકે, શાસક તૃણમૂલ કોંગ્રેસે આ આક્ષેપોને “નિરાધાર અને રાજકીય પ્રેરિત” ગણાવી ખારિજ કરી દીધા છે.