PM-KISANના 21 મા હપ્તાની તારીખ જાહેરઃ જાણો ક્યારે નાણા મળશે અને ખેડૂતોએ શું કરવું પડશે?
- 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ડાઇરેક્ટ ટ્રાન્સફર તરીકે ₹3.70 લાખ કરોડનો આંકડો પાર કર્યો
- દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી
- આધાર-આધારિત e-KYC, મોબાઇલ એપ્લિકેશન અને કિસાન-eMitra સુવિધાને કારણે પ્રક્રિયા સરળ બની
ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ PM KISAN દેશભરના ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 નવેમ્બરને બુધવારે ખેડૂતોની સહાય માટેનો 21મો હપ્તો જારી કરશે અને ખેડૂતોનાં બેંક ખાતાંઓમાં સીધી રકમ જમા થશે.
અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તાઓ દ્વારા 3.70 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ યોજનાના લાભ એવા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે જેમની જમીનની વિગતો PM KISAN પોર્ટલમાં છે, જેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલા છે અને eKYC પૂર્ણ થયું છે. આ યોજના વૈશ્વિક સ્તરે સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પહેલમાંની એક તરીકે ઉભરી આવી છે, જે લાભાર્થીઓને સીધી નાણાંકીય સહાય પૂરી પાડવા પર તેની નોંધપાત્ર અસર દર્શાવે છે. આ યોજના હેઠળ 25%થી વધુ લાભ મહિલા લાભાર્થીઓ મેળવે છે.
PM-KISANમાં આધાર એ ઇ-કેવાયસી પૂર્ણ કરીને લાભાર્થીઓની ઓળખ સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. હવે ખેડૂતો નીચેના કોઈપણ વિકલ્પનો ઉપયોગ કરીને તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે:
- ઓટીપી આધારિત ઈ-કેવાયસી
- બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી
- ફેસ ઓથેન્ટિકેશન-આધારિત ઈ-કેવાયસી
વધુ સરળતા માટે ખેડૂતો સમર્પિત પોર્ટલ pmkisan.gov.in ની મુલાકાત લઈ શકે છે. "ફાર્મર કોર્નર" વિભાગ હેઠળ, પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મેળવનારાઓ નવી "તમારી સ્થિતિ જાણો" સુવિધાનો ઉપયોગ કરીને સરળતાથી તેમની સ્થિતિ ચકાસી શકે છે.
આ પોર્ટલ ખેડૂતો માટે ઝડપી અને જાતે નોંધણીને સરળ પ્રક્રિયા પણ પ્રદાન કરે છે. સુલભતા સુનિશ્ચિત કરવા માટે, નજીકના કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) પર પણ નોંધણી કરાવી શકાય છે અને ખેડૂતો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે તેમના ઘરઆંગણે આધાર-આધારિત બેંક ખાતા પણ ખોલી શકે છે.