PMએ 'નોલેજ બેઝ્ડ ઇકોનોમી'નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશેઃ મુખ્યમંત્રી
- અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું,
- બ્રાહ્મણ સમાજ એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે,
- વિવિધ સમાજો આવી સમિટ યોજીને ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડે છે
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાનએ 'નોલેજ બેઝ્ડ ઇકોનોમી'નો વિચાર આપ્યો છે. જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.
બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ - એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગનાં પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનશ્રીની 'વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ બ્રહ્મસમાજને આ તકે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. 'વાઈબ્રન્ટ ગુજરાત'માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું. 'સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે' એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનશ્રીના એ વિચારને સાકાર કરે છે.
આ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને પણ સાકાર કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ સમિટમાં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી મળવાની છે. આ બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાઓ માટે રોજગાર મેળાનું આયોજન થયું છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે. આવા આયોજન માટે મુખ્યમંત્રીશ્રીએ સમિટના આયોજકો અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી 3.0માં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. વિશ્વનું સૌ પ્રથમ અર્થશાસ્ત્ર રચનારા ચાણક્યને યાદ કરીને તેમણે જણાવ્યું કે શિક્ષણ અને નોકરી ઉપરાંત બ્રહ્મસમાજ ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે.
બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો, વ્યાવસાયિકો દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં બ્રહ્મશક્તિની તાકાત અને આ સમિટનું યોગદાન મહત્ત્વના બની રહેશે, એવો વિશ્વાસ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે બ્રાહ્મણ સમાજને વ્યાપાર વણજના માર્ગે આગળ લઈ જવા માટેના આયોજનને બિરદાવ્યું હતું.
દેશના મંદિરો, સંસ્કારો, સંસ્કૃતિની રક્ષા કરનારા સમાજે દેશના અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય કરી રહ્યા છે ત્યારે સૌ જરૂર સફળ થશે તેવી શુભકામના તેમણે પાઠવી હતી.