અમદાવાદના ત્રણ રેલવે સ્ટેશન પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ
- દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ,
- રેલવે સ્ટેશન પર ધક્કા મુકી ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો,
- પ્લેટફોર્મ ટિકિટ બંધ કરાતા લોકોની ભીડ ઓછી થશે.
અમદાવાદઃ દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહથી શહેરના તમામ રેલવે સ્ટેશનો પર બહારગામ જનારા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીએ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓનો ભારે ધસારો થતાં હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે. ત્યારે શહેરના કાળુપુર, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારાને લીધે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસનો પુરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી અને છઠ પૂજાના તહેવાર દરમિયાન ટ્રેન તથા પ્લેટફોર્મ પર થતી ભારે ભીડને ધ્યાને રાખી રેલવે વિભાગે અમદાવાદના કાલુપુર, સાબરમતી અને અસારવા સ્ટેશન પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝનમાં લોકો મોટી સંખ્યામાં વતન જતા હોવાથી તેમને લેવા-મૂકવા માટે પણ લોકો પ્લેટફોર્મ પર ઊમટતા હોય છે. આથી રેલવેના પ્લેટફોર્મ પર થતી વધુ પડતી ભીડના કારણે અવ્યવસ્થા સર્જાતી હોય છે. પ્રવાસીઓના સગાં-સંબંધીઓ પ્લેટફોર્મ પર ન આવે તે માટે રેલવેએ 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન સિનિયર સિટીઝન મુસાફરો, મેડિકલ જરૂરિયાતવાળા અને હેલ્પરની જરૂરવાળા પેસેન્જરોના સગાંને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઇ છે.
મુંબઈ બાંદ્રા સ્ટેશન પર 27 ઓક્ટોબરને રવિવારે વહેલી સવારે ગોરખપુર જતી ટ્રેનમાં બેસવા જતા થયેલી પેસેન્જરોની ભાગદોડમાં કેટલાંકને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ ઘટના બાદ પશ્ચિમ રેલવેએ તત્કાલ અસરથી મુંબઈ સહિત ભીડભાડવાળા સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું હતું. ઉલ્લખનીય છે કે અગાઉ પણ આ રીતે રેલવે સ્ટેશન પર ભારે ભીડ સર્જાતા પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભીડ ઘટાડવા માટે ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના દર પણ વધારી દેવામાં આવતા હોય છે.