For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચિલોડા નજીક લકઝરી બસમાં બે શખસો પાસેથી પિસ્તોલ- તમંચો અને 10 કારતૂસ મળ્યા

06:42 PM Nov 14, 2025 IST | Vinayak Barot
ચિલોડા નજીક લકઝરી બસમાં બે શખસો પાસેથી પિસ્તોલ  તમંચો અને 10 કારતૂસ મળ્યા
Advertisement
  • કાનપુરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં બે શખસો હથિયારો લઈ આવતા હતા,
  • ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશમાં બે શખસો હથિયારો સાથે પકડાયા,
  • પોલીસે બન્ને શખસોની પૂછતાછ હાથ ધરી

ગાંધીનગરઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ પાસે આવેલી આગમન હોટલની સામે નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન બે શખસો હથિયારો સાથે પકડાયા છે.. કાનપુરથી અમદાવાદ આવી રહેલી  એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શંકાસ્પદ શખ્સ પાસેથી પોલીસે ગેરકાયદેસર એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ કારતૂસનો જથ્થો સહિત 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંવેદનશીલ પરિસ્થિતિના પગલે, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ પ્રવેશ અને નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ અને કડક બંદોબસ્તના આદેશો આપ્યા હતા. આ આદેશોના અનુસંધાને ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ રોકવામાં આવી હતી, જે કાનપુરથી અમદાવાદ જતી હતી. પોલીસે બસમાં સવાર મુસાફરોની તલાશી લેતા પાછળની સ્લીપિંગ સીટ પર બેઠેલા બે શખસની વર્તણૂક શંકાસ્પદ જણાતાં તેમની બેગની તપાસ કરી હતી.પોલીસની તલાશી દરમિયાન આ બંને શંકાસ્પદ શખ્સો પાસેથી ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યા હતા.. જેમાં એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ જીવતાં કારતૂસ હતાં. પોલીસે બંને આરોપીઓની ઓળખ અમદાવાદ દાણીલીમડાના મોહસીન શાહબુદીન શેખ (ઉં.વ. 22) અને સોહીલ ઉર્ફે કુકડો અજીમભાઈ શેખ (ઉં.વ. 23) તરીકે કરી છે. આ શખ્સો પાસેથી હથિયારો ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 54,570નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અથવા તેનો હેતુ શું હતો તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. દિલ્હી બ્લાસ્ટની ઘટનાના સંદર્ભમાં હથિયારોનો આ જથ્થો પકડાયો હોવાથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગેરકાયદે હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement