ગુજરાતમાં એસટીની વોલ્વો બસમાં કુંભમેળામાં ગયેલા યાત્રિકો સલામત છે
- એસટીની બે વોલ્વો બસ બુધવારે સવારે 5 વાગ્યે પ્રયાગરાજ પહોંચી
- એસટીના અધિકારીઓ યાત્રિકોની સાથે છે
- યાત્રિકોને ઘાટ પહોંચાડવા માટે યુપીએસટી બસની સેવા લેવામાં આવી
અમદાવાદઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી ગુજરાત એસટીની બે વોલ્વો બસમાં પ્રયાગરાજ ગયેલા પ્રવાસીઓ સલામત છે. આજે વહેલી સવારે પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેમ એસટીના એક અધિકારીએ જમાવ્યું હતું.
અમદાવાદ એસટી ડેપોના મેનેજર જણાવ્યું હતું કે અમદાવાદથી પ્રસ્થાન કરેલી જી.એસ.આર.ટી.સી.ની બે વોલ્વો બસ પ્રયાગરાજ પહોંચી ગઇ છે. આ બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે. અમદાવાદ ડેપો મેનેજર બંને વોલ્વો બસ સાથે પ્રયાગરાજમાં તેમની સાથે છે. હવે પછી અમદાવાદથી પ્રયાગરાજ જનારી એસટીની બસો રાબેતા મુજબ ઉપડશે. હાલમાં બસ કેન્સલ કે પછી બુકિંગ કેન્સલ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. છેલ્લા દિવસ સુધીના તમામ બુકિંગ એડવાન્સમાં ફૂલ થઇ ગયા છે. હાલમાં કોઇ ચિંતા કરવા જેવો માહોલ નથી.
GSRTC ના એક અધિકારીના કહેવા મુજબ બુધવારે વહેલી સવારે GSRTCની પહેલી બસ પ્રયાગરાજ પહોંચી હતી. ભારે ટ્રાફિક જામને કારણે બસ બહારના વિસ્તારમાં પાર્ક કરવામાં આવી છે. અને આંતરિક અવરજવર માટે UPSRTC ની બસની વ્યવસ્થા કરી હતી. મુસાફરો નજીકના ઘાટ પર "સ્નાન" કરી રહ્યા છે અને પરત ફરવા માટે સીધા બસ પાર્કિંગમાં પાછા ફરશે. મુસાફરોને કોઈ સમસ્યા નથી. અમારી એડવાન્સ ટીમ પ્રયાગરાજ પહોંચી ગઈ છે, અમે બધા મુસાફરો સાથે સતત સંપર્કમાં છીએ.