પાલિતાણામાં બીજા દિવસે ડોળી કામદારોની હડતાળ ચાલુ રહેતા યાત્રિકો બન્યા પરેશાન
- હડતાળમાં તેડાગર બહેનો અને શ્રમિકો પણ જોડાયા
- માથાભારે શખસોના ત્રાસ સામે ડોળી કામદારોની હડતાળ
- પોલીસ ડોળી કામદારોને મનાવી રહી છે
પાલિતાણાઃ શેત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકોને ડોળીમાં લઈ જતા 2000 જેટલા ડોળી કામદારો અને તેડાગરો દ્વારા શરૂ કરાયેલ હડતાલ આજે બીજા દિવસે યથાવત રહી હતી. સોમવારે પણ એક પણ ડોળી ગીરીરાજ ઉપર ગઈ નથી તેમજ તેડાગર બહેનો અને મજૂરોએ પણ પોતાનું કામકાજ બંધ રાખેલ હતું. અસામાજિક તત્વોના ત્રાસને લીધે ડોળીવાળાએ હડતાળ પાડી છે.
જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજી ગિરીરાજ પર 2000 જેટલા ડોળીવાળા રોજગારી મેળવી રહ્યા છે. કેટલાક માથાભારે અને અસામાજિક તત્વોના ત્રાસથી ડોળીવાળા હડતાળ પર ઉતર્યા છે. સોમવારે બીજા દિવસે પણ હડતાલ ચાલુ હોવાથી અશક્ત અને શેત્રુંજય પર્વત નહીં ચડી શકનારા યાત્રીકોએ જય તળેટીએ દર્શન કરી ભાવયાત્રા કર્યાનો સંતોષ માનવો પડ્યો હતો. આ હડતાલને કારણે યાત્રિકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
પાલિતાણામાં ડોળી લેબર યુનિયન ગ્રામ્ય સીટી પાલિતાણા દ્વારા ડોલી કામદારોની હડતાલ શરૂ છે ત્યારે આ હડતાલના સુખદ સમાધાન માટે પાલિતાણાના ડીવાયએસપી ઓફિસ ખાતે ડોળી કામદાર આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને મીટીંગ કરવામાં આવી હતી પરંતુ પરિણામ નહીં આવતા આજે તા.11-3 ને મંગળવારે પણ ત્રીજા દિવસે આ હડતાલ ચાલુ રહી હતી. યુનિયનના પ્રમુખ નાનુભાઈ મકવાણા જણાવેલ હતું. કે અમારી માંગણીઓનો ઉકેલ આવ્યો નથી આથી હડતાલ ચાલુ રહેશે. આજે તા.11-3 ને મંગળવારના કચ્છી સમાજની તેરસ હોય શેત્રુંજય ગિરિરાજની છગાઉની મહાયાત્રા દરમિયાન ડોળી બંધ રહેતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ડોળી યુનિયનની હડતાલ અંગે પાલિતાણાના પ્રાંત અધિકારીને પૂછતા તેમણે જણાવ્યુ હતું. કે વાટાઘાટો ચાલુ છે અને ટૂંક સમયમાં સુખદ નિવેડો આવી જશે તેવી તેમણે આશા દર્શાવી હતી.