NIMCJમાં વિધાર્થીઓ માટે યોજાયો શારીરિક-માનસિક વેલનેસ પ્રોગ્રામ
અમદાવાદ: નેશનલ ઈન્સિટટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ હતી 'બેલેન્સડ માઈન્ડ, સ્ટ્રોન્ગર હાર્ટ'. મુખ્ય વક્તા તરીકે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ, ડો. ઉષા પારેખ, હેતલ દેસાઈ, શોભા રાજપુરોહિત અને સોનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને ભાવનાત્મક સુખાકારીના મહત્વને સમજાવવાનો રહ્યો હતો.
કાર્યક્રમની શરુઆત ગુરુ વંદના અને શ્લોક પ્રસ્તુતિથી થઈ હતી. સત્રના પ્રથમ વક્તા ડો.ઉષા પારેખે વિદ્યાર્થીઓ સાથે ભાવનાત્મક વલણ જીવનમાં કેવી રીતે અસર કરે છે તે સમજાવતા અનેક ટિપ્સ આપી. અહંકારને જીવનની કેવી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો અને ક્યારે છોડવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ લાઈવ એક્ટિવિટીની મજા માણી. શોભા પુરોહિત દ્વારા વિદ્યાર્થીઓને મેડિટેશનની અસરકારક ટિપ આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં ધ્યાન ધરવાની એવી રીત શીખવવામાં આવી જે વિદ્યાર્થીઓ તેમના જીવનની વિકટ પરિસ્થિતિમાં અમલમાં મૂકી માનસિક તથા શારિરીક સ્વાસ્થયને સંભાળી શકે.
સત્રના અંતમાં સૌને ઋષિમુનિઓની વાર્તા સંભળાવી અને જગરાણી પ્રોજેક્ટ્સની હેતલ દેસાઈએ માહિતી આપી હતી તથા મન અને હ્રદયને મજબૂત કરવા કેટલું જરૂરી છે તેની સમજણ આપી હતી.આ વન ડે વેલનેસ પ્રોગ્રામ દરેક વિદ્યાર્થી માટે લાભદાયી રહ્યો. કાર્યક્રમને સફળ બનાવવાં સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ડૉ. ગરીમા ગુણાવત, લાઇબ્રેરીયન માનસી સરવૈયા,સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.