ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાટાઘાટો થશે
નવી દિલ્હીઃ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ માર્કોસને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વાટાઘાટોથી બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારી વધુ મજબૂત થશે.
આ બેઠકમાં ભારત અને ફિલિપાઈન્સના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યત્વે, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ સહયોગ, કૃષિ, આરોગ્ય, દવા અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની પણ અપેક્ષા છે.
આર્થિક સંબંધો ભારત અને ફિલિપાઈન્સના દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો વેપાર 3 અબજ 50 મિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ સતત વધી રહ્યો છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આશા રાખવામાં આવી રહી છે.