વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોનું સ્થાળાંતર કર્યા વિના તબક્કાવાર કામગીરી કરાશે
- વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ
- નદીના 24.7 કિમીના વિસ્તારને ચાર ભાગમાં વહેચી કામગીરી કરાશે
- મગરોની 12 ગુફા નિશ્ચિત કરીને લાલ ધજા લગાવી દેવામાં આવી
વડોદરાઃ શહેરમાં પૂરની સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં નદીમાં રહેલા મગરોની સમસ્યા નડતી હતી. કારણ કે મગરોના સ્થળાંતર માટે કેન્દ્ર સરકારની મંજુરીની જરૂર પડતી હોય છે. એટલે પ્રોજેક્ટ વિલંબમાં પડે તેવી શક્યતા હતી આથી હવે મગરોના સ્ખળાંતર કર્યા વિના જ તબક્કાવાર નદીને ઊંડી કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેઝના કામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસામાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝની વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ કામગીરી દરમિયાન નદીમાં વસવાટ કરતા મગરોનું સ્થળાંતર કર્યા વગર એક પછી એક ભાગમાં કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં વિશ્વામિત્રી નદીનો 24.7 કિલોમીટરનો વિસ્તાર છે. આ વિસ્તારને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. જેમાં મારેઠાથી કોટનાથ મહાદેવ, કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ, વિદ્યાકુંજથી કાશીબા હોસ્પિટલ અને કાશીબા હોસ્પિટલથી દેણા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. દોઢ માસ સુધી નદીના વહેણની જમણી બાજુ એટલે કે, નિઝામપુરા તરફના ભાગમાં નદી ઉપરનું જંગલ કટીંગ સહિતની સફાઇ કરવામાં આવશે. એકસાથે બંને કિનારા તરફની કામગીરી કરવામાં આવશે નહીં. જેથી નદીમાં વસવાટ કરતા મગરોને તેમના હોમલેન્ડથી વિસ્થાપિત કરવાની જરૂર પડશે નહીં. નદીની જમણી બાજુ ઉપર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં મગરોની 12 ગુફા નિશ્ચિત કરવામાં આવી છે અને ત્યાં લાલ ધજા લગાવી દેવામાં આવી છે અને આ જગ્યા ઉપર કોઇ પણ કામગીરી ન કરવા એજન્સીઓ અને તેમના કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
વીએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની કામગીરી દરમિયાન ચાર સેક્સનમાં 4 વેટરનરી ડોક્ટર, 10 વોલીએન્ટર, 8 જુના વોલીએન્ટર, અને બીજા જંગલ ખાતાના વોલીએન્ટર રાખવામાં આવશે. નદીને ઊંડી કરવાની કામગીરી શરૂ થવાના બે દિવસ પહેલા આ વોલીએન્ટર સર્વે કરશે. તે સાથે મગરોની મુવમેન્ટ ઉપર નજર રાખશે. 24.7 કિલોમીટર નદીમાં વસવાટ કરતા અંદાજે 240 મગરોને તેમના હોમલેન્ડથી દૂર કરાયા વગર જ નિર્ધારીત આગામી 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં યુધ્ધના ધોરણે વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ઉપર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.