સાયલા અને સુદામડામાં વીજચોરી સામે PGVCLનું મેગા સર્ચ, 60 લાખનો દંડ,
- વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તમાં SP, DY.SP સહિત અધિકારીઓ હાજર રહ્યા,
- પીજીવીસીએલની 30થી વધુ ટીમો દ્વારા ઘેર-ઘેર જઈને તપાસ કરાઈ,
- પોલીસે માથાભારે વ્યક્તિઓના ઘેર જઈને તપાસ કરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકામાં વીજચોરીને લીધે લાઈનલોસ ઘટતો જાય છે. ત્યારે PGVCLની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે સાયલા અને સુદામડા ગામમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. કેટલાક માથાભારે વ્યક્તિઓના મકાનોમાં વીજ ચેકિંગ કરતા PGVCLના કર્મચારીઓ ડરતા હોવાથી એસપી, ડીવાયએસપી અને એલસીબીના અધિકારીઓની હાજરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂપિયાનો વીજચોરી દંડ વસૂલવામાં આવ્યો હતો, ઉપરાત સાયલા વિસ્તારમાં પોલીસે ટ્રાફિકનો ભંગ કરનારા સામે ડ્રાઈવ યોજીને 13 વાહન ડિટેઇન કર્યા હતા તેમજ 9,300 રૂપિયાનો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વીજચોરીના કેસો વધતા PGVCL વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં, એસપી પ્રેમસુખ ડેલુ ,ડીવાયએસપી તથા ટીમ,એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સહિતના અધિકારીઓની હાજરીમાં PGVCLની 30થી વધુ ટીમો દ્વારા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સુદામડા તથા સાયલા વિસ્તારના વિવિધ ગામોમાં અચાનક રેડ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન વીજ મીટર વિના સીધા કનેક્શન લઈ વીજળીનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. કેટલાક ઘરોમાં લંગર મારફતે વીજ પુરવઠો લેવામાં આવી રહ્યો હોવાનો પણ ભંડાફોડ થયો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, સુરેન્દ્રનગર જિલ્લા LCB અને SOG ટીમો, તેમજ લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 70 પોલીસકર્મીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ PGVCLના 90 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન, અસામાજિક અને માથાભારે તત્વોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા, સંબંધિત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને આશરે 60 લાખ રૂપિયાનો વીજ કનેક્શન દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, સાયલા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન ટ્રાફિક તથા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આશરે 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ 9,300 રૂપિયાનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો.