પાટણમાં દૂધ સાગર ડેરીના ચેરમેન સામે પશુપાલકોની રેલીની મંજુરી રદ, 5ની અટકાયત
- દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ,
- પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો,
- મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે રેલીની પરવાનગી રદ કરી
પાટણઃ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને થતા અન્યાય સામે પાટણમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. પણ છેલ્લી ઘડીએ સંમેલન બાદ રેલીની મંજુરી રદ કરવામાં આવી હતી. સંમેલનના સ્થળે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.અને દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણ (પશુ આહાર)માં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગર દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈ ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના કેન લઈને આવ્યા હતા, પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી. દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પાંચ જેટલા પશુપાલકોની અટકાયત કરી હતી. પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ, પશુપાલકો અને તેમના આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી જિલ્લા વહીવટી તંત્રએ રદ કરી હતી. ખાડિયા વિસ્તારમાં યોજાનારા પશુપાલકોના સંમેલન પહેલા લક્ષ્મીપુરા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી ઠાકોર નારણજી સ્વરૂપજીએ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ વાંધા અરજી રજૂ કરી હતી. બી ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલી રદ કરવાનો અભિપ્રાય આપ્યો હતો. મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે રેલીની પરવાનગી રદ કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો હતો.