રાજકોટમાં જુની કલેક્ટર કચેરીમાં સર્વર ડાઉન થતાં E-KYC માટે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો
- રેશનકાર્ડમાં E-KYC માટે સવારથી અરજદારોની લાગતી લાઈનો,
- સર્વર ડાઉન થયા બાદ વીજળી ડુલ થતાં અરજદારોને ટોકન અપાયા,
- સવારથી આવેલા અરજદારોને બપોર પછી આવવાનું કહેતા હોબાળો મચ્યો
રાજકોટઃ ગુજરાતમાં રેશનકાર્ડધારકો માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. એટલે રેશનકાર્જ ધારકો કેવાયસી કરાવવા કામ-ધંધો છોડીને સવારથી સરકારી કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને રેશનકાર્ડમાં નવા નામ ઉમેરવા- કમી કરવા સહિતની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અને સમય બપોરે 11થી 2 વાગ્યાનો હોવા છતાં 12 વાગ્યે બારી બંધ કરી દેવાતા અરજદારોને મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ત્યારે આજે જૂની કલેક્ટર કચેરીએ સર્વર ડાઉન થયા બાદ વિજળી ગૂલ થઈ જતા 150થી વધુ અરજદારોને ટોકન આપીને બપોર પછી આવવાનું કહેતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.
રાજકોટની જુની કલેક્ટર કચેરીમાં રેશનકાર્ડમાં કેવાયસી કરાવવા માટે સવારથી જ અરજદારોની લાઈનો લાગી જાય છે. લાઈનોમાં ઊભા રહીને લાંબી પ્રતિક્ષા કર્યા બાદ સર્વર ડાઉન હોવાનું કહેવામાં આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાતા હોય છે. દરરોજ E-kyc મુદ્દે સર્વર ડાઉન સહિતની સમસ્યાને લઇને લોકો સરકાર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા હતા. શહેરની જુની કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમાં આવેલ ઝોનલ કેન્દ્રમાં આજે ઉઘડતી કચેરીએ જ વીજળી ગુલ થતા જ રેશનકાર્ડ ઈ.કેવાયસી રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમી કરાવવા સહિતની કામગીરી ઠપ્પ બની જતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પ્રાંત અધિકારી ચાંદની પરમારને તાબડતોબ આ ઝોનલ કચેરી ખાતે દોડી જવું પડયું હતું.
શહેરની જુની કલેક્ટર કચેરીમાં ધીમી ગતિએ ચાલતી કામગીરીથી અરજદારો કંટાળી ગયા છે. કચેરીમાં બે-ત્રણ દિવસ પહેલા પણ રેશનકાર્ડ ઈ.કે.વાયસીના મામલે હોબાળો મચ્યો હતો. અરજદારોએ કચેરીમાં રેશનકાર્ડ ઈ.વાયસી અને રેશનકાર્ડમાં નામ ચડાવવા કમી કરાવવા માટે એજન્ટો રૂ।.600 - 600ના ઉઘરાણા કરતા હોવાનો પણ આક્ષેપ પણ કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યા છે અને હવે ઈ- કેવાયસી પૂરા કરવામાં એક મહિનો જ બાકી છે અને ત્યાં સુધીમાં જે રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી નહીં થયા હોય તેઓને રેશનિંગનો જથ્થો આપવાનો બંધ કરવામાં આવશે. તેથી રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ઝોનલ કચેરીમાં ઈ-કેવાયસીની કામગીરી માટે છેલ્લા એક પખવાડિયાથી ભારે ધસારો થઇ રહ્યો છે. દરરોજ અનેક અરજદારો પરત ફરતા હોવાથી દરરોજ માથાકૂટના કિસ્સા બની રહ્યા છે.