અમદાવાદના માધૂપુરામાં નશાબાજ કારચાલકે અકસ્માત કરતા લોકોએ કારમાં તોડફોડ કરી
- કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા,
- લોકોના ટોળાંથી બચવા કારચાલક કાર સાથે સફળ બિલ્ડિંગમાં ઘૂંસી ગયો,
- ચાલક કાર મુકીને નાસી જતા લોકોએ કારમાં તોડફોડ કરી
અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પિડમાં દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં રાતના સમયે કેટલાક વાહનચાલકો નશાની હાલતમાં અકસ્માતો કરતા હોય છે. ત્યારે શહેરના માધુપુરા વિસ્તારમાં ગતરાત્રિએ એક કારચાલકે નશાની હાલતમાં ઓવરસ્પિડમાં ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ, અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાંએ કારચાલકને આંતરીને કારમાં તોડફોડ કરી હતી. પોલીસે અકસ્માત સર્જનારા કારચાલક ધવલ પટેલ સામે એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના માધુપુરા વિસ્તારમાં ગઈકાલે રાતના સમયે કારના ચાલકે નશાની હાલતમાં ઓવરસ્પિડ ડ્રાઈવિંગ કરીને બે ત્રણ વાહનોને ટક્કર મારી હતી.જોકે સદનસિબે આ અકસ્માતમાં કોઈપણને ઇજા થઈ નહોતી. પરંતુ અકસ્માત થતા લોકો કારચાલક સામે રોષે ભરાયા હતા. આથી લોકોના ટોળાંથી બચવા કારચાલક કાર લઈને સફલ 6 બિલ્ડિંગમાં ઘૂસી જતા લોકોનું ટોળું કારચાલકની પાછળ દોડ્યું હતું લોકોના ટોળાએ કાર ચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને કાર પર લાકડીઓ વરસાવી હતી.લોકોએ કારમાં ખૂબ જ તોડફોડ કરી હતી.આ બનાવની જાણ થતા માધુપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ કાર ચાલકને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ થતા ટ્રાફિક પોલીસ પર સ્થળ પર પહોંચી હતી.પોલીસે નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કારચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે.એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુનીતા પટેલે જણાવ્યું હતું કે, કાર ચાલકે અકસ્માત કર્યો પરંતુ હજુ સુધી કોઈને ઈજા પહોંચ્યું હોય તેવું ધ્યાન પર આવ્યું નથી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી.કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.કાર ચાલકની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે.