અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોનો લોકોએ ઉધડો લીધો
- ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો રાઉન્ડમાં આવતા જ લોકો ઘેરી વળ્યા,
- નિકોલ વિસ્તારના પ્રશ્નો હલ થતાં ન હોવાથી આક્રોશ ઠાલવ્યો,
- નાગરિકો રજુઆત માટે ફોન કરે ત્યારે કોર્પોરેટરો ફોન ઉપાડતા જ નથી
અમદાવાદઃ ચૂટાયેલા નેતાઓ સામે પ્રજા હવે જાગૃત બની રહી છે, શહેરના નાકોલ વિસ્તારમાં રાઉન્ડમાં નિકળેલા ભાજપના કોર્પોરેટો અને ધારાસભ્યને સ્થાનિક લોકોએ ઘેરી લઈને આ વિસ્તારના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી, નાગરિકો પ્રશ્નોના ઉલેક માટે મોબાઈલફોન કરે ત્યારે ફોન કેમ ઉપાડતા નથી. એવા પ્રશ્નનો મારો ચલાવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અમદાવાદના વિસ્તારમાં આવતો નિકોલ વોર્ડ જે દસ્ક્રોઇ વિધાનસભામાં આવે છે. દરેક વોર્ડમાં રવિવારે ધારાસભ્યો અને કોર્પોરેટરો એ હોદ્દેદારો સાથે રાઉન્ડ લેવા અંગેની સૂચના બાદ દર રવિવારે રાઉન્ડ લેવાની શરૂઆત કરવામાં આવી છે. 10 ઓગસ્ટના રોજ સાંજે દસકોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્યો બાબુભાઈ જમનાદાસ પટેલ નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ, દીપકભાઈ પંચાલ, વિલાસબેન દેસાઈ અને ઉષાબેન રોહિત, શહેર મહામંત્રી પરેશ લાખાણી, નિકોલ વોર્ડ પ્રમુખ પ્રવિણ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે રાઉન્ડમાં નીકળ્યા હતા. દરમિયાનમાં ફ્લેટની પાસે પહોંચતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ભાજપના ધારાસભ્ય ની હાજરીમાં કોર્પોરેટર બળદેવભાઈ ફોન ઉપાડતા નથી. એક વરસથી લોકો હેરાન થાય છે, છતાં પણ ફોન ઉપાડતા નથી. લોકોના ફોન તો ઉપાડવા જોઈએ કહ્યું હતું. નિકોલ વિસ્તારના સ્થાનિક પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા. છેવટે ધારાસભ્યએ તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું, ફોન કરવાનો એવું કહીને શાંત પાડ્યા હતા. પ્રજાજનોને રોડ, પાણી, ગટર, સફાઈ અને લાઈટની સુવિધાના કામો કર્યા છે, તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા હતા. પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કોર્પોરેટરોની કામગીરીને લઈને નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્યએ પણ કોર્પોરેટરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.