ધોરાજીમાં ઓવરબ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન ન અપાતા લોકોએ વિરોધ કર્યો
- સ્થાનિક રહિશોએ ચક્કજામ કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા
- ડાયવર્ઝનને લીધે લોકોની મુશ્કેલી વધી
- લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ઉગ્ર લડત અપાશે
રાજકોટ: જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રસ્તાને ડાયવર્ઝન અપાયું છે. પણ સ્થાનિક લોકોના કહેવા મુજબ વાહનો માટે જે ડાયવર્ઝન અપાયું છે તે રસ્તો ખૂબ સાંકડો છે. અને વાહનચાલકો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી યોગ્ય ડાયવર્ઝન આપવા માટેની માગણી સાથે સ્થાનિક રહિશોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ધોરાજી શહેરમાં આવેલા જૂનાગઢ રોડ પર રેલવે ફાટક આવેલું છે. આ રેલવે ફાટકને બંધ કરી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી મંજૂર થતા હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામ માટે અહીંયાથી પસાર થતા વાહનો, રાહદારીઓ અને ખેડૂતોને અન્ય વૈકલ્પિક માર્ગ તરફથી પસાર થવા માટેની જે વ્યવસ્થા તેમજ જે વૈકલ્પિક રસ્તો ઊભો કરવામાં આવ્યો છે તે રસ્તો અને બંધ થયેલા આ રસ્તાને કારણે લોકોની અનેક સમસ્યાઓ ફરિયાદો અને તકલીફ વધી રહી હોવાનું સામે આવ્યું છે. તંત્રના અણઘડ આયોજનને લીધે ખેડૂતો, રાહદારીઓ, વાહનચાલકો અને આ રસ્તા પર આવેલા પ્લાસ્ટિકના કારખાનેદારને ખૂબ પરેશાની થઈ રહી છે. જેને લઇને સ્થાનિક તેમજ કારખાનેદારો, વેપારીઓ સહિતનાઓએ એકત્રિત થઈ હિત સમિતિ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી તેમણે થઈ રહેલા તકલીફ અને સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઇને આ રસ્તો બંધ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તાઓને બંધ કરાતા અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે તે રસ્તો ખૂબ સાંકડો છે. જેને લઇને કારખાનેદારો, ખેડૂતો અને અહીંયાથી પસાર થતા રાહદારીઓને, વાહન ચાલકોને ખૂબ તકલીફ અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા 300 ઉપરાંતના પ્લાસ્ટિકના કારખાનેદારોને પણ તેમના માલના આવન જાવન માટે પણ ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં કે એક્શન નહીં લેવામાં આવતા સ્થાનિકો પોતાની પીડા સરકાર સમક્ષ પહોંચાડવા માટે એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ ચીમકી આપી છે કે તેઓ આગામી દિવસોની અંદર તેમની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરશે.