રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનની દબાણો હટાવ ઝૂંબેશ સામે લોકોએ કર્યો વિરોધ
- મોટામવા વિસ્તારમાં 40 મકાનો-દુકાનોને નોટિસ મળતા સ્થાનિક લોકોએ કર્યો વિરોધ
- બાંધકામો ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરવાની માગ
- સ્થાનિક લોકોનો આક્ષેપ, બાંધકામો 27 વર્ષ પહેલાના છે, બિલ્ડરોના દબાણથી હટાવાઈ રહ્યા છે
રાજકોટઃ શહેરમાં ગેરકાયદે થયેલા દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં મોટામવા વિસ્તાર અને કાલાવડ રોડ પર દબાણો હટાવવા માટે મ્યુનિ.એ નોટિસ ફટકારતા સ્થાનિક લોકોમાં વિરોધ ઊભો થયો છે. રહિશોનું કહેવું છે. કે, આ દબાણો 27 વર્ષ પહેલાના છે. એટલે મ્યુનિએ ઈમ્પેક્ટ ફી લઈને તેને નિયમિત કરી દેવા જોઈએ. સ્થાનિક લોકોએ મ્યુનિની કચેરી સામે મોરચો માંડ્યો છે. સીતારામ પાર્ક સોસાયટીમાં 'રાજકારણી તથા પૈસાનાં જોરે ચાલતી RMC' સહિતનાં બેનરો સાથે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં સૌથી પહેલા કોમર્શિયલ બાંધકામો, મુખ્ય માર્ગો તેમજ અડચણરૂપ ગેરકાયદે બાંધકામોને ટાર્ગેટ કરાયા છે. જે કાર્યવાહીને નાગરિકોએ પણ વધાવી છે. શહેરના મોટામવા વિસ્તારમાં કાલાવડ રોડ પરના કોમર્શિયલ ગેરકાયદે બાંધકામોને લઈને મ્યુનિએ કાર્યવાહી હાથ ધરી છે જેમાં અલગ અલગ કોર્ટ કાર્યવાહીના અંતે ડિમોલિશનની આખરી નોટિસ અપાઈ છે. જે મામલે વિસ્તારના વેપારીઓએ મ્યુનિ. સામે આક્ષેપોની ઝડી વરસાવી છે. કાલાવડ રોડ પર 40 જેટલા મકાનો-દુકાનોને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સીતારામ પાર્ક સોસાયટીમાં 'રાજકારણી તથા પૈસાનાં જોરે ચાલતી RMC' સહિતનાં બેનરો સાથે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ઇમપેક્ટ ફી હેઠળ આ સોસાયટીને કાયદેસર કરવા માગ કરવામાં આવી હતી. 1998માં બનેલી આ સૂચિત સોસાયટીને 260(2) મુજબ નોટિસ ફટકારવામાં આવતા અનેક લોકોનાં રહેઠાણ અને ધંધા બંધ થવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. 2005 પહેલાનું બાંધકામ હોવાથી નિયમ મુજબ અગાઉ પંચાયતના અને હાલ મ્યુનિના વેરા ભરતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજકોટનાં કાલાવડ રોડ ઉપરનાં રંગોલી રેસ્ટોરન્ટ સામે આવેલી સીતારામ પાર્ક સોસા.નાં 40 જેટલા મકાનો-દુકાનોને મ્યુનિ. દ્વારા ડિમોલિશનની 260-2 મુજબની નોટિસ આપવામાં આવી છે. અંદાજે 19,000 વાર જગ્યામાં આવેલા આ બાંધકામોને નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહિશો રોષે ભરાયા છે. આ સોસાયટીનાં બાંધકામો 1998થી 2022 વચ્ચે થયેલા છે. અને નિયમ અનુસાર 2005 પૂર્વેનાં બાંધકામો રેગ્યુલાઈઝ કરી શકાય છે. આમ છતાં બિલ્ડરો તેમજ રાજકારણીઓના દબાણને કારણે મનપા દ્વારા નોટિસો ફટકારવામાં આવી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.